શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 20 ડિસેમ્બર 2013 (12:20 IST)

ગુજરાતમાં નોંધાયેલા મતદારોની સંખ્યા ૪ કરોડ પર પહોંચી

P.R

લોકસભાની આગામી ચૂંટણીઓ માટે ગુજરાતમાં આખરી સુધારેલી મતદાર યાદી ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ જાહેર થશે. ચૂંટણીપંચના સત્તાવાળાઓના અંદાજ પ્રમાણે નવા ૧૦ લાખ મતદારોનો ઉમેરો થયો છે. હાલમાં નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા ૩.૯૦ કરોડ છે. આ બાબતે પણ મતદાન સ્લીપ ચૂંટણીપંચ આપશે.

ચૂંટણીપંચના સત્તાવાર સૂત્રોએ આ અંગે એક વાતચીતમાં જણાવ્યું કે ડિસેમ્બર-૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓ વખતે ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા ૩.૯૦ કરોડ જેટલી હતી. ત્યારબાદ વખતોવખત મતદાર નોંધણી ઝૂંબેશ હાથ ધરાઈ હતી. જેમાં એક અંદાજ પ્રમાણે ૧૦ લાખ નવા મતદારો ઉમેરાયા છે. તે જોતાં ગુજરાતમાં ૬.૦૫ કરોડની વસ્તીમાં હવે નોંધાયેલા મતદારોની સંખ્યા ૪ કરોડ પર પહોંચી છે. જે કુલ વસ્તીના ૬૭ ટકા થવા જાય છે.

સૂત્રોએ વધુમાં કહ્યું કે નવી સુધારેલી મતદાર યાદી ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ જાહેર થશે અને સ્થાનિક કક્ષાએ પણ મતદારો તેમાં પોતાના નામો જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત મતદારો ઓનલાઈન પણ પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તે જાણી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના સત્તાવાળાઓએ મતદારોને પોતાના નામ મતદાર યાદીમાં છે કે નહીં તે જોઈ લેવાની અપીલની સાથે એમ પણ કહ્યું કે મતદાનના દિવસે રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા ચાલી, મહોલ્લો કે આખી સોસાયટીનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું હોવાની ફરિયાદો કરે છે. ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણી વખતે આવી ફરિયાદો વધારે હતી. ૨૦૧૨માં જોકે તેમાં ઘટાડો થયો હતો. અને હવે જ્યારે સુધારેલી મતદાર યાદી બહાર પડી રહી છે ત્યારે પક્ષોના કાર્યકરો બુથ લેવલે મતદાર યાદીમાં જે તે સોસાયટી કે ફલેટ વગેરેના નામોની ચકાસણી કરી લેવી જોઇએ. અત્યારે ચકાસણી ના કરે અને ત્યાર બાદ મતદાનના દિવસે ફરિયાદો કરવી અયોગ્ય છે. સુધારેલી મતદાર યાદી બહાર પડયા પછી પણ કોઈ રહી ગયા હોય તો તેનો સમાવેશ કરવાની જોગવાઈ છે. આમ એક રીતે જોતા ચૂંટણીપંચના ગુજરાત ખાતેના સત્તાવાળાઓ દ્વારા ચૂંટણીઓની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે.