શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 14 માર્ચ 2014 (12:41 IST)

ગુજરાતમાં શહેરી બેઠકો ઉપર કોંગ્રેસની કફોડી હાલત

P.R
ગુજરાતમાં શહેરી બેઠકો ઉપર ભાજપની મજબૂત પક્કડ હોઈ કોંગ્રેસને સારા ઉમેદવારો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ગાંધીનગર, અમદાવાદ-પૂર્વ, અમદાવાદ-પશ્ચિમ, સુરત જેવી લોકસભા બેઠકો માટે બહુ ઓછા જાણીતા હોય તેવા નામો કોંગ્રેસમાં ઉપસી રહ્યાં છે, પરિણામે આવી કેટલીક બેઠકોની ચૂંટણી પરંપરાગત રીતે એકતરફી ઝૂકાવવાળી બની રહેવાની શકયતા છે.

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી જે એક બેઠક ઉપર ચૂંટણી લડે તેવી શકયતા છે તે, મણીનગર વિધાનસભા બેઠક આવરતી અમદાવાદ-પૂર્વની લોકસભા બેઠક કોંગ્રેસ મુકાબલો કર્યા વિના જ સોનાની તાસક ઉપર ભાજપને ધરી દે તેવી અત્યારે સ્થિતિ છે.

અમદાવાદ-પશ્ચિમ અને ગાંધીનગર બેઠકો ઉપર પણ કોંગ્રેસની આવી જ કફોડી હાલત છે. અમદાવાદ- પશ્ચિમની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક ઉપર કોંગ્રેસ તરફથી નિવૃત્ત પોલીસ અધિકારી રાજન પ્રિયદર્શી અથવા કોંગ્રેસમાં ભળેલા કેશુભાઈ સરકારના પૂર્વ પ્રધાન ઈશ્વર મકવાણા ચૂંટણી લડે તેવી શકયતા છે. જયારે હાઈ પ્રોફાઇલ ગાંધીનગર બેઠક ઉપર તો કોંગ્રેસમાં ઉમેદવારી માટે રીતસર દુષ્કાળ પ્રવર્તે છે. છેલ્લી ઘડીએ અહીં જૈન વેપારી પ્રફુલ તલસાણિયા અથવા જિલ્લા પંચાયત પ્રમુખ હિના પટેલને મેન્ડેટ અપાવવાની શકયતા દર્શાવાઈ રહી છે.
સુરત લોકસભા સીટ ઉપર પણ કોઇ મજબૂત ઉમેદવાર મળતો ના હોઈ છેલ્લે સુરત-ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ૨૨ હજાર મતોની લીડથી હારેલા લેઉઆ પાટીદાર દિનેશ કાછડિયાને અથવા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ શંભુ પ્રજાપતિને ઉમેદવારી કરવાનું કહેવામાં આવે તેવી શકયતા જણાવાઇ રહી છે.

સૂત્રો કહે છે કે અત્યાર સુધી વડોદરાની સીટ સહિત કોંગ્રેસના ૧૧ ઉમેદવારો જાહેર થઇ ચૂકયાં છે, બાકી ૧૫ બેઠકો પૈકી ૪ બેઠકો- પાટણ, બનાસકાંઠા, ખેડા અને ભરૃચનો નિર્ણય હાઇકમાન્ડ ઉપર છોડવામાં આવ્યો છે.