શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2013 (11:43 IST)

ગુજરાતમાંથી દૂધ આખા દેશમાં પહોંચાડવું છે પણ કેન્દ્ર સરકાર રેલવે ટેન્કર આપતી નથીઃ મોદી

P.R

રાજ્યના સહકારી દૂધ ઉદ્યોગની આગવી પ્રતિષ્ઠા છે છતાં ગુજરાતનું સહકારી ડેરીનું દૂધ આખા દેશમાં પહોંચાડવા માટે રેલવે ટેન્કર આપવા કેન્દ્ર સરકાર ધ્યાન આપતી નથી. ગુજરાત સરકારે તો સહકારી ક્ષેત્ર દ્વારા દૂધના રેલવે ટેન્કરના નિર્માણ કરીને માત્ર રેલવે લાઇનનો ઉપયોગ કરવાની જ માગણી કરી છે તેને સ્વીકારવા પણ કેન્દ્ર તૈયાર નથી. તેમ રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સહકારી સંઘના ઉપક્રમે અડાલજમાં યોજાયેલા ‘ગુજરાત સહકારી મહાસંમેલન’નું ઉદ્દઘાટન કરતા જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન મોદીએ કેન્દ્ર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને કૃષિલક્ષી ધિરાણ માટે વૈદ્યનાથન સમિતિની ભલામણો અનુસાર કેન્દ્ર સરકાર પાસે રૂપિયા 261 કરોડ હક્કના લેવાના બાકી નીકળે છે. પણ ભારત સરકાર ગુજરાતના હક્કના નાણાં ખેડૂતોને આપવા માટે મૌન ધારણ કરીને બેઠી છે. ઉપરાંત ગયા વર્ષે ચોમાસાની નિષ્ફળતાને કારણે જ ખેડૂતોએ રાષ્ટ્રીય બેન્કો પાસેથી કૃષિધિરાણ લીધું તેના વ્યાજના દર 7 ટકાથી ઘટાડીને 4 ટકા કરવા ભારત સરકાર તૈયાર નથી. ગુજરાત સરકારે તો આવા સંજોગોમાં સહકારી ક્ષેત્રમાંથી ધિરાણ લીધું હોય તેના ચાર ટકાના વ્યાજના દરની માગણી સ્વીકારી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને સહકારીતાની વચ્ચ ભાવનાત્મક અને જનતા તથા સહકારી ક્ષેત્ર વચ્ચે પણ ગાઢ નાતો પ્રસ્થાપિત થયો છે. માધુપુરા બેંકના આર્થિક ભૂકંપથી સહકારી બેન્કિંગ વ્યવસ્થા પત્તાની મહેલની માફક તૂટી જવાની અણી પર હતી. ત્યારે રાજ્યની આ વર્તમાન સરકારે રાજકિય ઇચ્છાશક્તિથી હિંમતભેર સહકારી ક્ષેત્રને માટે સુધારાની પહેલ કરી તેના તત્કાલિન મૂર્ધન્ય સહકારી આગેવાનોએ રાજકીય પક્ષાપક્ષથી દૂર રહીને સમર્થન આપ્યું હતું.