શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 16 એપ્રિલ 2014 (13:49 IST)

ઘોઘા-દહેજ વચ્ચે રો-રો શિપ ચલાવવા માટેની હિલચાલ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે ધંધાકીય રીતે ઘણો જૂનો અને ગાઢ સંબંધ પ્રવર્તમાન છે. ત્યારે બંને પંથક વચ્ચેનું અંતર ઓછું કરી અને વિકાસની નવી ક્ષિતિજો ખોલવા બહુહેતુલક્ષી ઘોઘા-દહેજ ફેરી સર્વિસમાં પ્રારંભિક તબક્કામાં ૫૦૦ મુસાફરોની ક્ષમતાવાળા જહાજને બદલે ૨૦૦થી ૨૨૦ મુસાફરોની ક્ષમતાવાળું રો-રો શિપ ચલાવવા માટેની હિલચાલ થઇ રહી હોવાનું આધારબૂત સૂત્રોએ જણાવ્યું હતું.

ભાવનગરના ઘોઘા અને દક્ષિણ ગુજરાતના દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે રો-રો ફેરી શિપ સર્વિસ શરૂ કરવા માટેની માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા અંતિમ તબક્કાની કામગીરી કરવામાં આવી રહી છે. મુંબઇ અને લંડનમાં જીએમબી દ્વારા રો-રો ફેરી શિપ મેળવવા માટે કરવામાં આવેલા રોડ-શો બાદ મોટાભાગના ઓપરેટરોએ ખંભાતના અખાતનો અભ્યાસ કરી અને ૫૦૦ મુસાફરોની ક્ષમતાવાળી રો-રો શિપ ચલાવવાને બદલે ૨૦૦ની ક્ષમતાવાળી શિપ ચલાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ બંને બાજુ કિનારા તરફ પણ ભારે કરન્ટ રહે છે અને શિલ્ટિંગની સમસ્યા પણ પ્રમાણમાં વધુ જોવા મળે છે. તેથી ૫૦૦ મુસાફરોની ક્ષમતાવાળા જહાજને સતત અને વધુ ડ્રાફ્ટની આવશ્યકતા રહે છે. તેવા સંજોગોમાં ૨૦૦ મુસાફરોવાળું શિપ ચલાવવું યોગ્ય ગણી શકાય. ઉપરાંત ભવિષ્યમાં જીએમબી દ્વારા અન્ય કોઇ ફેરી સર્વિસ, ટર્મિનલ બનાવવામાં આવે તો રો-રો શિપ ચલાવવા માટે ઘોઘા-દહેજ ફેરી સર્વિસના ઓપરેટરોને તક આપવા વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શિપ મૂકવા પાછળ જંગી ખર્ચ થતો હોવાથી ફેરી સર્વિસના પરવાનાની મુદ્દત ૧૦ વર્ષથી વધારી ૩૦ કરવા સુધી અને દૈનિક ત્રણ ટ્રિપ ચાલે તે માટે ઇંધણ સપ્લાય સહિતની સવલત આપવા સબબની બાબતોનું ઓપરેટરો દ્વારા સૂચનો મળ્યા છે જેના પર જીએમબી દ્વારા ગંભીરતાથી વિચારણા થઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું.