શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2014 (13:03 IST)

ચર્ચા છે કે શંકરસિંહ બાપુ પણ ભાજપમાં પાછા આવે છે

P.R
ગુજરાતમાં લોકસભાની તમામ ર૬ બેઠકો જીતવાની દાવો કરી રહેલા ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીએ પક્ષના દ્વાર ખોલી નાખ્‍યા છે. ભાજપમાં સામેલ થનાર સાંસદ, ધારાસભ્‍યો અને નેતાઓનું પક્ષ ઉમળકાભેર સ્‍વાગત કરી રહ્યુ છે. કયારેક શંકરસિંહ વાઘેલાના મંત્રીમંડળમાં સામેલ થયેલા બે ડઝન નેતાઓએ કેસરીયા કર્યા છે. ગઇકાલે અબડાસાના કોંગ્રેસના ધારાસભ્‍ય છબીલ પટેલે પણ ધારાસભ્‍ય પદ છોડયુ હતુ. બગાવત કરીને બનેલી જીપીપી પણ ભાજપમાં સામેલ થઇ ગઇ છે. ભાજપનું માનીએ તો કોંગ્રેસના કર્ણધાર શંકરસિંહ વાઘેલા પણ ઘર વાપસી માટે તૈયાર છે.

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે હારેલા શંકરસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણીમાં મોદીના નિશાના પર છે અને એ જ કારણોસર બાપુના સમર્થક ધારાસભ્‍યોને તોડવાનું ખાસ મિશન કેસરીયા બ્રિગેડ દ્વારા હાથ ધરાયુ છે. કોંગ્રેસના દિગ્‍ગજ નેતા શંકરસિંહ હાલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું નેતૃત્‍વ કરે છે અને તેઓ સાબરકાંઠા બેઠક પરથી ઝુકાવે તેવી સંભાવના હોવાથી ભાજપે એ બેઠક અંતર્ગતના હિંમતનગરના કોંગી ધારાસભ્‍ય રાજેન્‍દ્રસિંહ ચાવડાને ખેંચી લીધા હવે ખેડબ્રહ્માના ધારાસભ્‍ય અશ્વિન કોટવાળનું પણ નામ સંભળાય છે. અત્‍યાર સુધીના જેટલા નેતાઓ ભાજપમાં આવ્‍યા છે તે બધા શંકરસિંહ સમર્થક છે. તેમને ભાજપમાં ખેંચી શંકરસિંહની શકિત ક્ષિણ કરવામાં આવી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીની હેટ્રીક બાદથી પ્રદેશ કોંગ્રેસમાં નેતા વિપક્ષ અને અધ્‍યક્ષ પદને લઇને મતભેદો ઉપસ્‍યા હતા. મોદી પીએમ પદના ઉમેદવાર બન્‍યા બાદ કોંગ્રેસના અસંતુષ્‍ટ ધારાસભ્‍યોએ ગુજરાત અસ્‍મિતાના નામ પર ભાજપમાં સામેલ થવાનો શ્રેષ્‍ઠ અવસર મેળવી લીધો છે. મોકો પણ છે અને રાજનીતિનો દસ્‍તુર પણ છે તેથી કોંગ્રેસના એક પછી એક ધારાસભ્‍યો ભાજપમાં જોડાઇ રહ્યા છે. શરૂઆત નરહરી અમીનથી થઇ હતી તે પછી વિઠ્ઠલ રાદડીયા, જયેશ રાદડીયા પણ ભાજપમાં જોડાયા હતા. તે પછી જાણે ભાજપમાં જોડાવા લાઇન લાગી હોય તેમ કેશુભાઇ પુત્ર ભરત પટેલ, ગોરધન ઝડફિયા પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે. આ પહેલા બાવકુ ઉંધાડ, રાજેન્‍દ્ર ચાવડા અને જશા બારડ પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે. અહેવાલ અનુસાર હવે ધારાસભ્‍ય અનિલ જોશીયારા અને બાબુ મેઘજી શાહનું પણ નામ છે. અત્રે એ નોંધનીય છે કે, શંકરસિંહની નજીક બે ડઝન નેતાઓ ભાજપમાં સામેલ થઇ ગયા છે. વાઘેલાએ જયારે બગાવત કરી રાષ્‍ટ્રીય જનતા પાર્ટીની રચના કરી હતી તે સમયના બધા નેતાઓએ હવે ભાજપમાં છે. હવે કોંગ્રેસમાં એ વખતના શંકરસિંહ અને સી.કે.રાઉલ જ બચ્‍યા છે. ભાજપનો દાવો છે કે, ચૂંટણી પહેલા વાઘેલા પણ પોતાની માતૃ સંસ્‍થામાં સામેલ થઇ જશે.