શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 28 સપ્ટેમ્બર 2013 (17:20 IST)

ડોલરની કિંમત વધવાથી સરોગેટ મધર્સને ફાયદો

P.R
ડોલરની વધતી કિંમત સરોગેટ મધર્સ માટે આશીર્વાદરૃપ સાબિત થઈ છે. સરોગેટનું હબ ગણાતા આણંદમાં ઘણી બધી સરોગેટને ડોલરના ભાવ વધવાથી કોન્ટ્રેક્ટના નાણાં નક્કી થયા કરતાં અનેકગણાં વધુ મળ્યા છે. જેથી ગરીબી અને મજબૂરીથી સરોગેટ બનવા તૈયાર થયેલી મહિલાઓને ફાયદો થયો છે. દર વર્ષે ૩૦ ટકા જેટલા સરોગેટ કોન્ટ્રેક્ટ વિદેશી દંપતીઓ કરે છે અને તેઓ ડોલરમાં કોન્ટ્રેક્ટ કરતા હોવાથી સરોગેટ મધર્સ માટે ફાયદાકારક સાબિત થયા છે.

નિઃસંતાન દંપતીઓ માટે આશીર્વાદરૃપ નિવડેલો સરોગેટ મધરનો કોન્સેપ્ટ જરૃરિયાતમંદ મહિલાઓ માટે પણ આશીર્વાદરૃપ સાબિત થયો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. સરોગેટ હબ તરીકે ઓળખાતા આણંદમાં અનેક જરૃરિયાતમંદ મહિલાઓ સરોગેટ મધર બનવા આવે છે અને તેના બદલામાં લાખોની રકમ લઈને તે નાણાંમાંથી પગભર થવાનો પ્રયાસ કરે છે. આવી જ કેટલીક સરોગેટ મધરને હાલ ડોલર સામે રૃપિયો નબળો પડતાં અણધાર્યો લાભ થયો છે. આમ તો રૃપિયાનું અવમૂલ્યન દેશના અર્થતંત્ર માટે ભયજનક છે, પરંતુ અહીં રૃપિયાના અવમૂલ્યન સામે ડોલરની વધેલી કિંમતને કારણે સરોગેટ મધર્સને ફાયદો થયો છે. ડોલરની વધેલી કિંમતે તેમના કોન્ટ્રેક્ટના નક્કી કરેલા નાણાંમાં વધારો કરી દેતા તેમને આ લાભ થયો છે. આ અંગે ગાયનેકોલોજિસ્ટે જણાવ્યુ કે સરોગેટ મધરની પસંદગી કરનારા દંપતીઓ પૈકી ૩૦ ટકા દંપતી વિદેશી હોય છે અને તેઓ ડોલરમાં કોન્ટ્રેક્ટ કરે છે. તેમની ચૂકવણી ડોલરમાં થતી હોવાથી કોન્ટ્રેક્ટ કરતી વખતે ડોલર સામે રૃપિયાનો જે ભાવ ચાલતો હોય તે મુજબ જે તે સમયે કોન્ટ્રેક્ટ કરાય છે, પરંતુ નવ માસ બાદ જ્યારે સરોગેટ બાળકના જન્મ બાદ નાણાંની ચૂકવણી કરવાની હોય ત્યારે ડોલરનો જે ભાવ ચાલતો હોય તે મુજબ જ ચૂકવણી કરવી પડે છે. આ વર્ર્ષે ઘણી એવી સરોગેટ મધર્સ છે જેને ડોલરના વધેલા ભાવને કારણે ફાયદો થયો હોય. તેમના કોન્ટ્રેક્ટ ડિસેમ્બર કે જાન્યુઆરીના અંત ભાગમાં કરવામાં આવેલા અને નવ માસ બાદ તેમને સપ્ટેમ્બર માસમાં બાળક અવતરતાં હાલનો ડોલરનો ભાવ ચૂકવણી વખતે ધ્યાને લેવાયો છે. નવ માસ પહેલા કોન્ટ્રેક્ટ કરાયો ત્યારે રૃપિયો ૫૪.૨૦ પૈસા પ્રતિ ડોલર ચાલી રહ્યો હતો અને હવે જ્યારે ચૂકવણી કરવાનો સમય આવ્યો ત્યારે રૃપિયો ૫૮થી ૫૯ પ્રતિ ડોલર ચાલી રહ્યો હોવાથી તે મુજબ ગણતરી કરીને નાણાં ચૂકવવામાં આવ્યા છે. આ વધારાને પગલે સરોગેટ મધર્સને તેમના નક્કી કરેલા નાણાં કરતાં રૃ.૫૦ હજારથી રૃ.એક લાખ વધું મળ્યા છે.