શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 28 મે 2013 (11:23 IST)

નવી વિચિત્ર બીમારીઃ તડકામાં કશું જ જોઈ શકતી નથી આ યુવતી

P.R
અમદાવાદમાં એક અનોખો સ્વયંવર યોજવામાં આવશે. ભોપાલમાં રહેતી સંગીતા ભાલસે નામની ૨૬ વર્ષની યુવતી વિચિત્ર બીમારીને કારણે તડકામાં કશું જ જોઈ શકતી નથી. આલ્બિનિઝમ નામની આ બીમારીથી પીડાતી સંગીતાનો સ્વયંવર યોજાવાનો છે. મૂળ મહારાષ્ટ્રિયન સંગીતાના સ્વયંવર માટે એવી શરત નક્કી કરવામાં આવી છે કે તેને પસંદ કરનાર યુવકે એ જ દિવસે મૅરેજ કરવાં પડશે.

અમદાવાદમાં સિનિયર સિટિઝનોનો સ્વયંવર યોજવાનું કામ કરતી ‘વિનામૂલ્યે અમૂલ્ય સેવા’ નામની સંસ્થાના સંચાલક નટુભાઈ પટેલે કહ્યું હતું કે ‘સંગીતા ભાલસેના પિતાનું અવસાન થયું હતું અને તેની માતા શારદાના ગયા વર્ષે જ અમારી સંસ્થા દ્વારા લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. લગ્ન બાદ યુવતીના આ નવા પિતા અને મમ્મીએ અમારો સંપર્ક કર્યો હતો. દીકરીનાં લગ્ન કરાવી આપવા વિનંતી કરી હતી.’

નટુભાઈ પટેલે કહ્યું હતું કે ‘સંગીતા સૂર્યપ્રકાશમાં ઘરની બહાર નીકળે તો તેને કશું દેખાતું નથી, પણ જો તે આ સમય દરમ્યાન ઘરમાં હોય તો તે બધું જોઈ શકે છે, જોવામાં વાંધો આવતો નથી. આ પ્રકારના રોગને આલ્બિનિઝમ કહેવાય છે.’

પટેલે કહ્યું હતું કે ‘આ સ્વયંવર માટે કેટલાક નિયમો અને શરતો રાખવામાં આવી છે, જેમાં ઉમેદવાર ૨૫ થી ૩૨ વર્ષનો હોવો જોઈએ, હિન્દી ભાષા સમજી શકે, બોલી શકે તેવો હોવો જોઈએ, સામાન્ય હૅન્ડિકેપ્ડ, અન્ડર ગ્રૅજ્યુએટ, કુંવારા, ડિવૉર્સી, વિધુર (નિ:સંતાન) નૉર્મલ યુવકો આ સ્વયંવરમાં ભાગ લઈ શકશે. ધર્મ-જ્ઞાતિનું કોઈ બંધન નથી. અમદાવાદ જેવા મોટા શહેરમાં ઘર હોવું જરૂરી છે તથા મહિને ૧૦ હજાર રૂપિયાથી વધુ આવક હોવી જરૂરી છે.’