શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 25 એપ્રિલ 2014 (16:22 IST)

માં-દીકરાનું રાજ ચાલે છે..ચાલે છે..ચાલે છે અને ચાલશે: શંકરસિંહ વાઘેલા

કોંગ્રેસના વડપણ નીચેની યુપીએ-૨ સરકાર માં-દીકરો ચલાવે છે તેવા ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના આ૭ેપો સામે વળતો હુમલો કરતાં સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ છાતી ઠોકીને કહ્યું કે, માં-દીકરાનું રાજ ચાલે છે..ચાલે છે..ચાલે છે અને હવે યુપીએ-૩ બનશે અને રાજ ચાલશે.

ખેરાળુમાં કોંગ્રેસ અધ્યક્ષાની સભાને સંબોધતાં વિરોધપક્ષના નેતા વાઘેલાએ ભાજપ અને મુખ્યપ્રધાન મોદી પર નિશાન તાકતાં કહ્યું કે, જેમને ભાષાની ગરિમાની ખબર નથી તેવા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરીને ભાજપે પોતાનું સ્તર નીચે લાવી દીધું છે.

તેમણે મોદીનું નામ લીધા વિના કહ્યું કે, સોનિયા-રાહુલ સરકારના માલિક છે, એ કહે તેમ જ સરકાર ચાલે છે. સોનિયા ગાંધીને 'મધર ઈન્ડિયા' ગણાવતાં તેમણે કહ્યું કે, તેમણે દેશની જનતાની માંની જેમ ચિંતા કરી છે. હિન્દુ સંસ્કૃતિમાં કાશીએ 'કરવત' મુકાવા જવાનો મહિમા વર્ણવતા તેમણે કહ્યું કે, મોદી કાશીએ કરવત મુકાવા ગયા છે અને ગંગા સ્નાન કરીને ગંગાને મેલી કરવા ગયા છે-રામ તેરી ગંગા મૈલી.

જે પોતાનું ઘર સંભાળી ન શકે તે રાહુલ ગાંધીને અમેઠી કેમ સંભાળવું તેની શિખામણ આપે છે ! તેવું કહી તેમણે ઉમેર્યું કે, ૬૬ વર્ષની ઉંમરે પોતાની જુવાન છોકરી જેવી દીકરીની જાસૂસી કરતા તમને શરમ નથી આવતી ?

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મોદી પર નિશાન તાકતાં કહ્યું કે, હવે બદલો લેવાની વાત કરી રહ્યા છે પરંતુ આવી વાત કરનારા અંગ્રેજોએ દેશ છોડવો પડ્યો હતો એ વાત તેમણે યાદ રાખવી જોઈએ.

ચૂન ચૂન કે મારુંગાની વાતો કરનારાઓ આજે જેલમાં બેઠા છે અને જેલમાં તેમના આ સાથીઓ તેમની રાહ જોઈ રહ્યા છે. તેમણે ત્યાગમૂર્તિ સોનિયા ગાંધીને સંદેશો લઈને ૩૦મીએ કોંગ્રેસને મત આપવા અનુરોધ કર્યો હતો.