શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 30 નવેમ્બર 2013 (12:56 IST)

મુંબઇ આતંકવાદી હુમલો મામલોઃ કુબેર બોટનાં પરીવારને 50 હજારની સહાય પાંચ વર્ષે મળી

ગુજરાત સમાચાર

P.R
મુંબઇ ઉપર થયેલા ૨૬/૧૧નાં આતંકવાદી હુમલામાં ભોગ બનેલા જલાલપોરનાં વાંસી-બોરસી ગામનાં ત્રણ માછીમાર પરિવારોને રાજ્ય સરકારે ઘટનાના પાંચ વર્ષ બાદ આજરોજ રૃ।.૫૦-૫૦ હજારની સહાય આપી હતી. દરિયાઇ માર્ગે મુંબઇ ઘુસેલા આતંકવાદીઓએ દરિયામાં કુબેરબોટ પર સવાર વાંસી બોરસીનાં ત્રણ માછીમારોની નિર્દયી હત્યા કરી તેમની લાશ દરિયામાં ફેંકી દીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પાંચ વર્ષ અગાઉ તા.૨૬-૧૧-૨૦૦૮ના રોજ પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે મુંબઇ પર હુમલો કરવા ઘુસેલા આતંકવાદીઓએ મધ્યદરિયામાં કુબેર બોટનો કબ્જો લઇ તેના પર સવાર, મચ્છીમારી કરવા ગયેલાં જલાલપોર તાલુકાનાં વાંસી બોરસી ગામનાં ત્રણ માછીમારો મુકેશ અંબુભાઇ રાઠોડ, નટુ નાનુભાઇ રાઠોડ, અને બળવંત પ્રભુભાઇ ટંડેલનાં ગળા કાપી તેમની નિર્દયી હત્યા કરી લાશોને દરિયામાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ કુબેર બોટ દ્વારા મુંબઇમાં ઘુસી આતંકવાદીઓએ ભયંકર હુમલો કર્યો હતો. જેમાં અસંખ્ય લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં ગરીબ માછીમારોનાં પરિવારોને રાજ્ય સરકાર તરફથી છેલ્લા પાંચ વર્ષથી રાહત સહાય ચુકવાઇ ન હતી. માછીમારોની લાશ મળી ન હોવાથી સરકારી જડ નિયમ મુજબ સહાય આપી શકાય નહી એવા જવાબો ભોગ બનનાર પરિવારોને આપવામાં આવતાં તેમનાં પરિવારોએ જ્ઞાતિનાં રિવાજ મુજબ મરણોત્તરક્રિયા પણ પૂર્ણ કરી હતી અને મૃત્યુ સહાય મેળવવા રાજ્ય સરકારને વિનંતી પણ કરી હતી. દરમિયાન આજરોજ નવસારી કલેક્ટર ડો.સંધ્યા ભુલ્લર દ્વારાં, ત્રણેય માછીમાર પરિવારોને મુખ્યમંત્રીનાં રાહત દંડમાંથી રૃ।.૫૦-૫૦ હજારની સહાયની ચુકવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકારનાં મહેસૂલ વિભાગ દ્વારાં આ પરિવારોને પાંચ વર્ષ બાદ સહાય મંજૂર કરવામાં આવતાં અનેક તર્ક-વિર્તક વહેતા થયા છે. જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર જાહેર થયા બાદ દેશભરમાં ચુંટણીસભાઓમાં છાતી ફુલાવીને મોટી મોટી વાતો કરી રહ્યા છે. બિહારમાં તેમની સભા અગાઉ થયેલા બોંબ હુમલામાં માર્યા ગયેલાંનાં પરિવારોને જાતે પહોંચી રૃ।.૫-૫ લાખની ત્વરીત સહાય આપી આવ્યા હતા. જ્યારે પાંચ વર્ષથી સહાય મેળવવા આમ તેમ ભટકતા વાંસી-બોરસીનાં પરિવારોને માત્ર રૃ।.૫૦ હજારની જ સહાય આપી છે. આગામી ૨૦૧૪ની લોકસભાની ચુંટણી નજીક હોવાથી ગુજરાત સરકારને આ માછીમારોના પરિવાર યાદ આવ્યા હોવાની ચર્ચા ઉઠી છે.