શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 1 એપ્રિલ 2014 (11:18 IST)

મોદી સરકારના મંત્રી સૌરભ પટેલ ચૂંટણી પંચને ફરિયાદ કરતા ખુદ ફસાયા

P.R
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે મોદી સરકારના મંત્રી સૌરભ પટેલ અંબાણી પરિવારના જમાઈ હોવાથી કુદરતી સંપતિનું નિયમન કરતાં ખાતા તેમને ફાળવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે મંત્રી સૌરભ પટેલે ચૂંટણી પંચમાં કેજરીવાલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે આ ફરિયાદમાં ક્વેરી કાઢી સૌરભ પટેલને પુછાવ્યું છે કે તમે અંબાણી પરિવારના જમાઈ છો કે નહીં? આ ક્વેરીમાં સૌરભ પટેલ હાલ ભરાઈ પડયાં છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવ્યા હતા. ત્યારે તેમણે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક જાહેર સભા કરીને મોદી સરકારના મંત્રી સૌરભ પટેલ સામે એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ અંબાણી પરિવારના જમાઈ થાય છે. આથી અંબાણીને તેમના કામ માટે વારંવાર સચિવાલયના ધક્કા ન ખાવા પડે તે માટે તેમના જમાઈ સૌરભ પટેલને જ મંત્રી બનાવી દેવાયા છે અને તેમને કુદરતી સંપતિનું નિયમન કરતાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ સહિતના તમામ મહત્વના ખાતાઓ ફાળવી દેવાયા છે.

આ જાહેર સભાના દિવસે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હોવાથી આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. આથી આ મુદ્દે સૌરભ પટેલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચે દસ-બાર દિવસ પહેલા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખી બે ક્વેરી કાઢી પૂર્તતા કરવા જણાવ્યું હતું. આ બે પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો હતો કે સૌરભ પટેલ ખરેખર ક્યા-કયા ખાતાઓ ધરાવે છે. અને બીજો પ્રશ્ન એ હતો કે તેઓ અંબાણી પરિવારના જમાઈ છે કે નહી.

કેન્દ્રીય ચૂંટણી પંચના આ પુછાણના આધારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ સૌરભ પટેલના ખાતાઓની જાણકારી મેળવીને જવાબ તૈયાર કરી નાખ્યો છે. પરંતુ તેઓ અંબાણી પરિવારના જમાઈ છે કે નહીં તે જાણવા સૌરભ પટેલને પત્ર લખ્યો છે. તેમાં પુછ્યું છે કે તમે ખરેખર અંબાણી પરિવારના જમાઈ છો કે નહીં તેની પત્ર દ્વારા જાણ કરવી.

એક અઠવાડિયા પહેલા આ પત્ર સૌરભ પટેલ પાસે પહોંચી ગયો હોવા છતાં સૌરભ પટેલે હજુ સુધી જવાબ નથી આપ્યો. જો તેઓ હા કે ના કંઈપણ જવાબ આપે તો પોતે જ તેમાં ફસાઈ જાય તેમ છે. આથી તેઓએ હાલ જવાબ આપવાનું ટાળ્યું છે.આમ, સૌરભ પટેલે આચારસંહિતા ભંગની ફરિયાદ કરીને અરવિંદ કેજરીવાલને ફસાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ હાલ તો આ ફરીયાદ પટેલ માટે જ બુમરેંગ સાબિત થઈ છે અને તેમના જ ગળાનું હાડકું બની રહી છે.