શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મોદીએ કંથારપુરાના 500 વર્ષ જૂના મહાકાળી વડની મુલાકાત લીધી

:
ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ આજે જન્‍માષ્‍ટમીના પાવન પર્વની વહેલી સવારે ગાંધીનગર જીલ્‍લાના દહેગામ તાલુકામાં આવેલા ઐતિહાસીક કંથારપુરા મહાકાલી વડના સર્વગ્રાહી વિકાસ માટે અણધારી મુલાકાત લઈને તેના સંરક્ષણ, જતન અને સંવર્ધન માટેની કાર્યયોજના ગતિશીલ ધોરણે હાથ ધરવા માર્ગદર્શક સૂચનાઓ વન વિભાગ અને જીલ્‍લા તંત્રને આપી હતી.
P.R


કંથારપુરાના પ્રાચિન મહાકાલી વડ પરિસરની ઉપેક્ષીત સ્‍થિતિથી વ્‍યથિત બનેલા મુખ્યમંત્રી નરેન્‍દ્ર મોદીએ આ પ્રાકૃતિક વિરાસત એવા મહાકાલી વડ અને વડવાઈઓને સુવૈજ્ઞાનિક ધોરણે પ્રવાસનતીર્થ તરીકે વિકસાવવાનો સર્વગ્રાહી માસ્‍ટર પ્‍લાન હાથ ધરવા રાજય સરકારના વન વિભાગને અગાઉ તાકીદ કરી હતી. આ મહાકાલી વડ ૪૦૦ વર્ષની મહાકાય પ્રાકૃતિક વિરાસત છે અને તેના પર્યાવરણીય તથા પર્યટનતીર્થ તરીકેની અસીમ સંભાવનાઓને ધ્‍યાનમાં લઈને તેના સર્વગ્રાહી જતન માટે જે પ્રયાસો જીલ્‍લા તંત્ર અને વન વિભાગે હાથ ધર્યા છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ આજે વહેલી સવારે કંથારપુરા વડ પરિસરમાં પહોંચી જઈને મુખ્‍યમંત્રી મોદીએ કર્યું હતું.

મુખ્યમંત્રી મોદીએ વડ અને વડવાઈઓના ઘેઘુર પરિસરમાં જ્યાં યોગ, ધ્‍યાન માટે સુવિધા ઉપલબ્‍ધ થઈ શકે ત્યાં ધ્‍યાનકુટીરોનું નિર્માણ કરવાનું પ્રેરક સૂચન કર્યું હતું. આ આપણી આધ્‍યાત્‍મિક પ્રાકૃતિક સંપદા છે અને જનભાગીદારીથી તેના જતન અને સંવર્ધન માટે સમગ્ર વડ, વડવાઈ અને આસપાસના સમગ્ર પરિસરનો વિકાસ થવો જોઈએ એમ તેમણે જણાવ્‍યું હતું.

કંથારપુરા વડ પરિસરના વિકાસ અર્થે નિરક્ષણ માટે આજે વહેલી સવારે નરેન્‍દ્ર મોદીનું અચાનક આગમન થતાં જ સ્‍થાનિક ગ્રામજનોને સુખદ આશ્‍ચર્ય થયું હતું. અને આ ઐતિહાસીક વડના વિકાસ માટે મુખ્‍યમંત્રી મોદીની સંકલ્‍પશક્તિમાં સહયોગ આપવાની તત્‍પરતા વ્‍યક્ત કરી હતી. વડ અને વડવાઈ પરિસરને મહાકાલી વડ તરીકે વિકસાવવા ભક્તિભાવથી સેવાદાન આપવા ગ્રામજનોએ નિર્ધાર વ્‍યક્ત કર્યો હતો.

મુખ્‍યમંત્રી મોદી સાથે અધિક અગ્રસચિવ એ. કે. શર્મા, ગાંધીનગરના કલેકટર પી. સ્‍વરૂપ તથા નાયબ વન સંરક્ષક ભાવિન વ્‍યાસ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.