શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2013 (15:09 IST)

લોકોને સહપરિવાર, ફરજીયાત ધક્કા ખવડાવતું ગજબનું કાર્ડ - આધાર કાર્ડ

P.R
જે કાર્ડ પાંચ વર્ષના બાળકથી લઈને મોટી ઉંમરના વડીલો માટે જરૂરી છે એવું આધાર કાર્ડ મેળવવા લોકો સહપરિવાર ધક્કા ખાય છે પણ આ ધરમધક્કાનો કોઈ અંત નથી. આખરે કોની બેદરકારીના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.

એક બાજુ ભારતીય નાગરિકને વિશેષ ઓળખ આપવા માટેના પ્રોજેકટને લઈને ભારત સરકાર ગૌરવ લઈ રહી છે. પણ હકીકત એ છે કે જરૂરિયાત બની ગયેલું આધાર કાર્ડ મેળવવા ખાનગી એજન્સીઓના વાંકે નાગરિકોને ધક્કા ઉપર ધક્કા ખાવા પડી રહ્યા છે.

લાઈનમાં ઊભા રહેવાની સરકારી પ્રથાને દૂર કરીને આધાર કાર્ડનું કામ જલદીથી અને સરળતાથી પૂર્ણ થાય તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ભારત સરકારે ખાનગી એજન્સીઓને આ કામ સોંપ્યું છે. જો કે નાગરિકોનું કહેવું છે કે ખાનગી એજન્સીઓએ પોતાના કાર્યમાં વેઠ વાળી રહી છે.

આધાર કાર્ડ કઢાવવા માટે આવતા નોકરિયાત વર્ગની પરેશાનીઓનો તો કોઈ પાર જ નથી. રજા પાડીને આવતો નોકરિયાત વર્ગ દિવસ બગડે છે છતાં કામ પૂર્ણ ન થતું હોવાથી નિરાશ થઈને ઘરે પાછો ફરે છે. તેમની માગ છે ખાનગી એજન્સીઓએ સવારે અને મોડી સાંજે પણ આધાર કાર્ડનું કામ ચાલુ રાખવું જોઈએ.

એક કામ માટે ત્રણ ધક્કા એ સરકારી લાલિયાવાડીનો પુરાવો છે પણ અહીં તો કેદ્ર સરકારે ખાનગી એજન્સીઓને આધાર કાર્ડનું કામ સોંપ્યું છે છતાંય પોતાનો કિંમતી સમય કાઢીને આવતા નાગરિકોની પરેશાનીમાં કોઈ ઘટાડો થયો નથી. તો ખાનગી એજન્સીઓ પણ પોતાના પર કોઈ જાતનું ઇન્સપેકશન થતું ન હોવાથી ફાવે તેમ વર્તી રહી છે. આ સ્થિતિમાં લોકોની માગ છે કે પ્રોફેશનલ વર્કના બહાને ગોકળગાયની ગતિએ કામ કરતી એજન્સીઓ સામે સખતમાં સખત પગલાં ભરાવાં જોઈએ.