શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મહેસાણાઃ , શનિવાર, 25 જુલાઈ 2015 (16:04 IST)

વિસનગર - પાટીદાર સમાજની હિંસક રેલીની તપાસમાં આઇબી કામે લાગ્યું

મહેસાણાના વિસનગરમાં આજે પાટીદાર સમાજની અનામત રેલી હિંસક બનતા પોલીસે ૧૦ ટીયર ગેસના સેલ છોડીને ટોળાને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. પાટીદાર યુવા શિક્ષણ સમિતિના નેજા હેઠળ અનામતની માગણી સાથે આજે વિસનગર ખાતે પાટીદારોની જંગી રેલી યોજી હતી. રેલી દરમિયાન ટોળાંએ ધારાસભ્યની ઓફિસ પર ઘેરાવો કરીને પથ્થરમારો કર્યો હતો.

જ્યારે ટોળા વિખેરવા માટે પોલીસે ૧૦ જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. તોફાની બનેલી રેલીમાં લોકોએ વાહનો સળગાવ્યા હતા. વિસનગર શહેરમાં આજે અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાન સ્થાનિક ધારાસભ્યના કાર્યાલયમાં ભારે તોેડફોડ મચાવવામાં આવી હતી.જ્યારે એક ગાડીને સળગાવી ત્રણ પત્રકારો ઉપર હિંસક હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

એકાએક રેલીમાં સર્જાયેલી હિંસક ઘટનાને પગલે બેકાબૂ બનેલા ટોળાંને વિખેરવા પોલીસે ૧૦ રાઉન્ડ ટીયર ગેસના તથા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ અંગે ગૃહરાજ્ય મંત્રી રજની પટેલે તપાસના આદેશ આપી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આજે વિસનગર શહેરના હરિહર મંડળ ચોકમાં સમગ્ર તાલુકાભરમાંથી પાટીદાર યુવા શિક્ષણ સમિતિના ઉપક્રમે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકઠા થયા હતા. અને અહીંથી અનામતની માંગ સાથે રેલી સ્વરૃપે તેઓ વિસનગર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં અનામતની માંગણી કરતું આવેદનપત્ર મામલતદારને સુપરત કર્યું હતું.

ત્યાર બાદ રેલીનું વિસર્જન કરવાને બદલે તંત્રની મંજૂરી ન હોવા છતાં પાટીદારોની આ રેલી સીધી જ વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલના કાર્યાલય ઉપર પહોંચી હતી. અહીં તેઓની હાજરી ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. જે પૈકી કેટલાક તોફાની ટોળાંએ ભાજપના ધારાસભ્યની ઓફિસને નિશાન બનાવી અંદર ભારે તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે રોડ ઉપર ઊભેલી ભાજપના એક આગેવાનની ગાડી પણ સળગાવી દીધી હતી. જ્યારે આ સમગ્ર ઘટનાનું કવરેજ કરી રહેલા ત્રણ મિડિયાકર્મીઓ ઉપર પણ તોફાની તત્વોએ હિંસક હુમલો કરી તેઓને ઇજાઓ પહોંચાડી હતી. અને કેમેરા તોડી નાંખવામાં આવ્યા હતા.

વિસનગરમાં એકાએક પાટીદાર સમાજની રેલી દરમિયાન તોફાની ઘટના સર્જાતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. અને ટોળાને વિખેરવા ૧૦ રાઉન્ડ ટીયરગેસના સેલ તથા લાઠીચાર્જ કર્યો હતો. રાજ્ય સરકારે ઘટનાની ગંભીરતા લઇ આ અંગે મહેસાણાના ડીએસપી તથા ગાંધીનગરના રેન્જ આઇજી પાસે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે.

વિસનગરની તપાસમાં આઇબી કામે લાગ્યું
પાટીદાર સમાજનું અનામત આંદોલન આજે સવારે વિસનગર ખાતે તોફાની બન્યું હતું. અનામતની માંગણી કરતી રેલીના વિસર્જન બાદ કેટલાક લોકોએ તોડફોડ કરતાં તંગદિલી સર્જાઇ હતી. અનામત આંદોલનથી રાજ્ય સરકાર અને ભાજપમાં પણ હલચલ મચી ગઇ છે. આઇબી તંત્રને પણ સમગ્ર ઘટનાક્રમ અંગેનો રિપોર્ટ તૈયાર કરવા કામે લગાડાયું છે. તાલુકા સેવા સદન ખાતે અનામત માટેની માંગણી કરતું આવેદનપત્ર તંત્રને સોંપ્યા બાદ રેલીનું વિસર્જન થયું હતું, પરંતુ કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ તાલુકા સેવા સદનની પાસે આવેલી સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલય પર હુમલો કર્યો હતો. અન્યત્ર પણ તોડફોડની ઘટના બની હતી. જોકે વિસનગરની રેલી હિંસક બનવાથી તેના ઘેરા પ્રત્યાઘાત છેક ગાંધીનગર સુધી પડ્યા છે. આઇબી તંત્રને કામે લગાડાઇ દેવાયું છે આની સાથે સાથે ગાંધીનગરના રેન્જ આઇજી હસમુખ પટેલને પણ તાકીદનું તેડું મોકલાવીને ઉચ્ચ સ્તરેથી વિસનગરની સ્થિતિની સમીક્ષા કરાઇ હતી.