શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 19 એપ્રિલ 2013 (10:24 IST)

સમાજ અને સરકાર વચ્ચે કાર્યકરોએ સેતુની ભૂમિકા નિભાવવી પડશે: મોદી

P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સમાજ અને સરકાર વચ્ચે સેતુ બનીને સરકારે હાથ ધરેલા પ્રજા કલ્યાણકારી વિવિધ પગલાં અને યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવા હાકલ કરી છે. ખાસ કરીને ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અંગેના ઈમ્પેક્ટ ફી કાયદાની જાણકારી ઘેર ઘેર આપવા ભાર મૂક્યો હતો. તેઓ ગાંધીનગરમાં આજે મળેલી ભાજપના ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓની એક મહત્વની બેઠકને સંબોધી રહ્યાં હતાં.

ગાંધીનગરના ટાઉનહોલમાં આજે મોદીની હાજરીમાં ભાજપના સંગઠનની બેઠક યોજાઈ હતી. મોદીએ બેઠકના સમાપન ભાષણમાં કહ્યું કે સરકારે પક્ષ દ્વારા અપાયેલા ચૂંટણી વચનો પૈકી પ્રથમ વર્ષના બજેટમાં જ 70 ટકા વચનોના અમલની યોજનાઓ ઘડી કાઢીને તેના અમલ માટે નાણાંની પણ ફાળવણી કરી નાંખી છે ત્યારે તેની માહિતી લાભાર્થી સુધી પહોંચાડવા કાર્યકરોએ સેતુની ભૂમિકા નિભાવવી પડશે.

તેમણે અને મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે પોતાના વક્તવ્યમાં ઈમ્પેક્ટ ફીના કાયદાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કાર્યકરોને કહ્યું કે ઈમ્પેક્ટ ફીનો કાયદો સામાન્યમાં સામાન્ય લોકોના હિત માટે છે. ખાસ કરીને જેમણે પોતાની જરૂરિયાત માટે અનઅધિકૃત બાંધકામ કર્યું હોય તો તેઓ સરકારે નક્કી કરેલી નજીવી ફી ભરીને પોતાની મિલક્ત કાયદેસરની અને કાયમી કરાવી શકે છે. લોકો આ કાયદાની ગંભીરતા સમજે તે જરૂરી છે. ભાજપના કાર્યકરોએ તેના અમલ માટે સામાજીક ઝુંબેશ હાથ ધરવી પડશે. એક સમાજ સેવાનું કામ માનીને પ્રભાવિત કે અસરગ્રસ્ત લોકો આ કાયદામાં સુચવાયેલ જરૂરી ફી ભરે અને પોતાનું બાંધકામના કાયદેસરના હક્કો મેળવે તેમાં મદદ કરે.

મોદીએ ઘરનું ઘર યોજના અંગે જાહેર કર્યું કે સરકારે 15 લાખ મકાનો પરવડી શકે એ કિંમતે એકલા અમદાવાદ અને અન્ય શહેરી વિસ્તારોમાં તૈયાર થઈ રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સામે છેલ્લાં 10 વર્ષ કરતાં વધુ સમયથી જુઠ્ઠાણાંનો પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાતની પ્રજા તેમને બરાબર ઓળખી ગઈ છે. તેથી અમારી સરકારને ફરી ફરીને પસંદ કરે છે ત્યારે સૌ પદાધિકારીઓ અને કાર્યકરોની એ ફરજ છે કે ગુજરાતના લોકોની આશા-અપેક્ષા સંતોષવામાં સરકારની સાથે પક્ષના કાર્યકરોએ પણ ખભેખભા મિલાવીને ચાલવું પડશે. આ બેઠકને પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, અગ્રણી પરસોત્તમ રૂપાલા, આનંદીબેન પટેલ વગેરે.એ સંબોધન કરીને માર્ગદર્શન આપ્યું હતું.