શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 30 માર્ચ 2013 (14:42 IST)

સ્પોન્સર્ડ અમેરિકી પ્રતિનિધિમંડળ બોગસઃ કોંગ્રેસ

P.R
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લેનાર અમેરિકાની એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ કોઇ અમેરિકન સરકાર દ્વારા મોકલવામાં આવેલ સત્તાવાર પ્રતિનિધિમંડળ નથી અને તેમાં કોઇ અમેરિકન સાંસદોનો પણ સમાવેશ થતો નથી, તેમ કહેતા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો કે વાસ્તવમાં ફ્રેન્ડ્સ ઑફ બીજેપી દ્વારા મોકલવામાં આવેલ એક સામાન્ય પ્રતિનિધિમંડળ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે પીઆર અને લોબિંગનું કામ કરનાર એજન્સી ગુજરાતનાં હિતોને નુકસાન પહોંચાડશે તો તેની સામે આંદોલન કરવાની ફરજ પડશે.

કોંગ્રેસભવન ખાતે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જાહેર કર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમેરિકાના આ પ્રતિનિધિમંડળ વિશે લોકોમાં ભ્રામકતા ફેલાવવામાં આવી રહી છે. જાણે કે આ પ્રતિનિધિમંડળ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા મોકલવામા આવ્યું હોય અને ઓબામા વતી મોદીને અમેરિકાની મુલાકાત લેવાનું આમંત્રણ અપાયું હોય એવો એક ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. આ પ્રતિનિધિમંડળમાં અમેરિકાનાં કોઇ સાંસદનો સમાવેશ થતો નથી. અમેરિકાનાં હાઉસ ઑફ કોંગ્રેસ કે જેમાં 800 જેટલા પ્રતિનિધિઓ ચૂંટાય છે અને જેને કોંગ્રેસમેન અથવા પ્રતિનિધિ કહેવામાં આવે છે, તેવા 3 પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. અન્ય સભ્યોમાં કોઇ મોટો ગજાના ઉદ્યોગપતિઓ નથી પણ સાવ સામાન્ય વેપારીઓ છે. ફ્રેન્ડ્સ ઑફ બીજેપી મારફતે તેમને ગુજરાત અને ભારતમાં ફરવા માટે મોકલવામાં આવ્યા છે.

તેમણે ચેતવણી આપી કે મુખ્યમંત્રી મોદી માટે તેમની ઇમેજ મેકિંગનું કામ કરનાર આ પીઆર એજન્સી ગુજરાતનાં સંસાધનોને લુટાવવાનું કામ કરી રહી છે. કેમ કે આ જ પીઆર કંપનીએ અમેરિકાના ટાઇમ્સ મેગેઝિનની એશિયન આવૃત્તિમાં મોદીના ફોટા સાથેની કવરસ્ટોરી પ્રસિદ્ધ કરાવી હતી. અને તેના બદલામાં અમેરિકાની એક કાર ઉત્પાદક કંપનીને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા રૂ. 20 હજાર કરોડનો લાભ અપાયો છે. આવી જ એક મહિલાએ લોબિંગ કરીને નેનો પ્લાન્ટ ગુજરાતમાં લાવીને રૂ. 33 હજાર કરોડનો લાભ અપાવ્યો છે. મુખ્યમંત્રી પોતાની ઇમેજ સુધારવાના પ્રયાસો કરે તેની સામે કોંગ્રેસને કોઇ વાંધો નથી. પરંતુ ગુજરાતના સંસાધનોને કે ગુજરાતની તિજોરીને લૂંટવા કે લુટાવાનો પ્રયાસ કરાશે તો આ પીઆર એજન્સી અને લોબિંગ એજન્સીને ગુજરાત છોડવાની ફરજ પાડવામાં આવશે.