મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2019 (12:09 IST)

લોકસભા ચૂંટણી 2019- ટિકિટના મુદ્દે કોંગ્રેસમાં ઘમાસાણ,20 ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં મંથન જારી

લોકસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે અંગે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડે મંથન જારી રાખ્યુ છે.ટિકિટના મુદ્દે એટલી ખેંચતાણ જામી છેકે, હજુ 20 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત થઇ શક્યા નથી. બનાસકાંઠામાં તો ટિકિટના મામલે સર્વસંમતિથી નામ નક્કી કરવા ધારાસભ્યો અમદાવાદ દોડી આવ્યા હતાં. બધાય ધારાસભ્યોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક યોજી હતી.
બનાસકાંઠામાં દિનેશ ગઢવી અને ગોવાભાઇ રબારીનુ નામ ચર્ચામાં છે. હવે જયારે ભાજપે મંત્રી પરબત પટેલને મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે પરથી ભટોળને ટિકિટ આપવા મન બનાવ્યુ છે. જોકે,પરથી ભટોળનુ સહકારી ક્ષેત્રમાં પ્રભુત્વ છે તે જોતાં કોંગ્રેસ ફેરવિચારણા કરી છે.ચૌધરી ઉમેદવાર સામે ચૌધરીને ઉતારવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે. બેઠકમાં પરથી ભટોળના નામ પર સર્વસંમતિ લેવાઇ હતી. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યુ હતુંકે,પક્ષ જેને ટિકિટ આપશે તેને જીતાડવા તમામ પ્રયાસો કરીશુ.
આ તરફ,યુથ કોંગ્રેસના નેતાઓએ પરેશ ધાનાણી, અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવને મેસેજો મોકલીને યુવાને ટિકિટ આપવા રાજકીય દબાણ ઉભુ કર્યુ છે. સુરેન્દ્રનગરમાં હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ આપવાની માગ સાથે યુથ કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ સમિતીએ નારેબાજી કરી હતી. આમ, કોંગ્રેસમાંય ટિકિટને લઇને કોકડુ ગુંચવાયુ છે.
ગુજરાત કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી અગાઉ પક્ષમાં નારાજગીનો સૂર ઉઠયો છે. ઘણાં દાવેદારો અત્યારથી જ નારાજ છે. આ જોતાં કોંગ્રેસમાં ડેમેજકંટ્રોલની અંદરખાને કવાયત હાથ ધરાઇ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ઘણાં નેતાઓને મનાવવા પ્રયાસો કર્યા છે. આજે બનાસકાંઠાના ધારાસભ્યોનો સેન્સ લઇ અમિત ચાવડા ગુરુવારે દિલ્હી પહોંચશે. ચર્ચા છેકે, ગુરુવારે કોંગ્રેસ વધુ ઉમેદવારો જાહેર કરી શકે છે.