શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

બિચારું એક નિખાલસ અને નિષ્કપટ રીંગણું...

PIB
PIB
બિચારું એક ભોળું, નિખાલસ અને નિષ્કપટ રિંગણું.. ખબર નહીં લોકો આ ગરીબની પાછળ કેમ પડ્યાં રહે છે ? જ્યાં કોઈ સિદ્ધાંતહીન વ્યક્તિ જોવા મળતો નથી, ત્યારે તેને થાળીમાં રાખેલું રિંગણું જાહેર કરી દેવામાં આવે છે. આ ખરેખર અન્યાય છે કારણ કે, બન્નેમાં કોઈ સમાનતા નથી. આવા વ્યક્તિઓ ભલે ઉપરથી ઉજળા દેખાતા હોય પરંતુ અંદરથી કાળામસ છે જ્યારે તેમની તુલનામાં રિંગણું ઉપરથી તો કાળુ દેખાય છે પરંતુ અંદરથી ઉજળું હોય છે.

રહી વાત તક જોઈને ગલગોટિયુ ખાવાની વૃતિની, તો ભાઈ એ અવગુણ તો ટમેટા અને બટેટામાં પણ હોય છે હો ! આ બન્ને પણ ક્યારેય વાકી થાળીમાં સીધા ટકતા નથી પરંતુ તેમ છતાં બટેટા અને ટમેટાને કોઈ પણ દુષ્કારતું નથી.

તમામ વિવાદનું એકમાત્ર કારણ છે રિંગણાના માથે પહેરેલો તાજ (ડિટીયું) કારણ કે તાજ હમેશા રાજાના માથે જ શોભે છે અને રાજાના હજારો દુશ્મનો હોય છે. પરંતુ હવે આ રાજા (રિંગણા) ના દિવસો પરિવર્તિત થવા જઈ રહ્યાં છે કારણ કે, મલ્ટીનેશનલ કંપનીઓએ તેની કાયાકલ્પ કરવાનો વિચાર કરી લીધો છે. ઘરે ઘરે રિંગણું પહોચી શકે એટલા માટે બીટી રિંગણ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. હવે ખેડૂતો ખુબ જ પાક ઉગાડશે અને ખૂબ જ માલ કમાશે.

બસ, શરત એક માત્ર એ છે કે, દરેક વખતે બીજ આ કંપનીઓ પાસેથી ખરીદવા પડશે. ખેડૂત ખુદ પોતાના બીજનો ઉપયોગ નહી કરી શકે પરંતુ ખબર નહી કેમ લોકો આ નાનકડી વાત પર આટલો વિરોધ શા માટે કરી રહ્યાં છે ? ખેડૂત રોકડ રકમ આપીને બીજ ખરીદશે તો પાકનું પ્રોપર મોનીટરિંગ પણ કરશે. પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન બધુ ઉચ્ચ દરજ્જાનું હશે. રહી વાત વિરોધની તો વિરોધ કરવો કેટલાક લોકોનો શોખ છે.

અગાઉ પણ બીટી કપાસનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે બીટી રિંગણાનો વિરોધ કરી રહ્યાં છે. ભવિષ્યમાં બીટી બટેટા, બીટી ભિંડા, બીટી ટમેટા જો આવે અને તેનો વિરોધ થાય તો નવાઈની વાત નહીં.

PIB
PIB
હાલ બીટી રિંગણ વિશે કૃષિ અને પર્યાવરણ મંત્રાલય વચ્ચે તકરાર જામી છે. કૃષિ મંત્રાલયના માનવા પ્રમાણે બહુરાષ્ટ્રીય કંપનીઓ વિરોધી ષડયંત્રના ભાગરૂપે જિનેટિકલી મોડીફાઇડ રિંગણનો વિરોધ થઇ રહ્યો છે જ્યારે પર્યાવરણ મંત્રી જયરામ રમેશ કૃષિ મંત્રાલયની આ દલીલને સમર્થન આપવા માંગતા નથી.

જો કે, કૃષિ મંત્રાલય છાતી ઠોકીને કહ્યું રહ્યું છે કે, બીટી રિંગણને બાયોટેક નિયામક જિનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી (જીઇએસી)એ મંજૂરી આપી છે તેમ છતાં પર્યાવરણ મંત્રાલય ટસનું મસ થઈ રહ્યું નથી તેનું કહેવું છે કે, નિષ્ણાતોની પેનલ (જીઇએસી) કાયદાકીય સંસ્થા છે, પણ માનવીય સુરક્ષા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દા સંકળાયેલા હોય ત્યારે તેના પર નિર્ણય લેવાનો અધિકાર સરકાર પાસે છે અને હકીકતમાં પેનલનાં સૂચનો પર આધારિત અંતિમ નિર્ણય લેવાની મૂળભૂત જવાબદારી પણ સરકાર પાસે છે. તેથી તેના વ્યવસાયિક વેચાણ પર અંતિમ નિર્ણય 10 ફેબ્રુઆરીએ જ આવશે તેમ તેઓનું કહેવું છે. જેને જોતા ક્યારેક ક્યારેક તો આ વિરોધ રાજકીય પક્ષોનું એક ગતકડું હોય તેવું પણ લાગે છે.

આમ પણ બીટી રિંગણ પશ્ચિમના દેશોમાંથી આવે છે માત્ર તેના આધારે તેનો વિરોધ ન થવો જોઈએ. આપણે ત્યાં કમ્પ્યુટર્સ અને મોબાઇલ ફોન પણ પશ્વિમના દેશોમાંથી આવ્યાં છે તેનો તો વિરોધ આપણે કરતા નથી. દુનિયા અત્યારે એક મોટું બજાર બની ગઈ છે. દેશ પણ વિકાસના શિખરો સર કરી રહ્યો છે એવા સમયે જો કોઈ કોઈ ચીજવસ્તુ અમેરિકા કે યુરોપમાંથી આવે તો તેના આધારે જ તેનો વિરોધ કરવો મારા મતે ઉચિત નથી.

ND
N.D
રહી વાત બીટી રિંગણની સાઈડ ઈફેક્ટની તો આંદોલનકારીઓને જાણ હોવી જોઈએ કે, આપણે ઈંડિયન ઈફેક્ટ પ્રૂફ હોઈએ છીએ. આપણા દેશની તમામ મોટી હોસ્પિટલોમાં મોટી-મોટી કંપનીઓની નવી-નવી દવાઓના વગર જણાવ્યે દરદીઓ પર ટેસ્ટ થતા રહે છે. ક્યારેય તેની સાઈડ ઈફેક્ટ્સ વિષે તમે સાંભળ્યું ખરું ?

આમ પણ જ્યાં સુધી આપણે તેને ખાઈશું નહીં ત્યાં સુધી આપણને કેવી રીતે જાણ થશે કે, ફલાણી દવા પીવાથી વ્યક્તિના નાકની જગ્યાએ ત્રીજો કાન ઊગી આવે છે. ઠીકણી દવા પીવાથી દરદીના હાથ પણ ઉંધા અવળા થઈ જાય છે ?

મિત્રો, અંતે એટલું જ કહીશ કે, જો આવનારી પેઢીને બીટી રિંગણના સાઈડ ઈફેક્ટ (જો હોય તો...) થી બચાવવી હોય તો મોજૂદા પેઢીએ તેનો પ્રયોગ તો કરવો જ પડશે.