1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 2 એપ્રિલ 2023 (17:01 IST)

સુરત : કાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં અપીલ કરશે, માનહાનિ મામલે કોર્ટનો ચુકાદો સેશન્સ કોર્ટમાં પડકારશે

rahul gandhi
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ‘મોદી અટક’ મામલે કથિત ટિપ્પણીના માનહાનિ અંગેના કેસમાં સુરતની કોર્ટે તેમને કરેલ બે વર્ષની સજાના હુકમને સુરતની સેશન્સ કોર્ટમાં પડકારશે.
 
રાહુલ ગાંધીની લીગલ ટીમના સભ્યે આ જાણકારી બીબીસીને આપી હતી.
 
નોંધનીય છે કે રાહુલ ગાંધીને ગત 23 માર્ચના રોજ 2019માં તેમની સામે નોંધાયેલા માનહાનિના કેસમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 499 અને 500 અંતર્ગત સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ લોકસભા સચિવાલયે નોટિફિકેશન બહાર પાડી તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું.
 
આ ચુકાદા બાદથી કૉંગ્રેસ અને વિપક્ષ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાને લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી રહ્યાં છે, જ્યારે ભાજપ આ સમગ્ર મામલાને ન્યાયિક ગણાવી રહ્યો છે.
 
હવે આ મામલે સેશન્સ કોર્ટમાં જવાને લઈને રાહુલ ગાંધીની લીગલ ટીમના સભ્યે કહ્યું હતું કે, “રાહુલ ગાંધી આવતી કાલે સુરતની સેશન્સ કોર્ટમાં આ મામલે અપીલ દાખલ કરી શકે છે.”
 
“રાહુલ ગાંધી આવતી કાલે સેશન્સ કોર્ટમાં જાતે હાજર રહી શકે છે.”
 
નોંધનીય છે કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી સાંસદ હતા. તેમનું સભ્યપદ રદ થયા બાદ તેમની પાસે રહેલા કાનૂની વિકલ્પોમાં કોર્ટના ચુકાદાને ઉપરી અદાલતમાં પડકારવાનો વિકલ્પ પણ સામેલ હતો.
 
સુરતની કોર્ટે માનહાનિ મામલે રાહુલ ગાંધીને કરેલી બે વર્ષની સજા પર સજા સંભળાવ્યા બાદ સજા 30 દિવસ માટે સસ્પેન્ડ કરી હતી, જેથી રાહુલ ગાંધી ઉપરની અદાલતમાં અપીલ કરી શકે. સજા કરાયા બાદ રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન પણ આપી દેવાયા હતા.
સુરત : રાહુલ ગાંધી માનહાનિ મામલે કોર્ટનો ચુકાદો સેશન્સ કોર્ટમાં પડકારશે