જો 25મીની મહારેલી પછી પણ સરકાર ન માની તો ? ચાણકયથી લઇને સરદાર પટેલે સુચવેલા તમામ માર્ગોનો અમલ કરશુ - હાર્દિક પટેલ
ગુજરાતના પાટીદારોનું અનામત માટેનું આંદોલન વેગ પકડી રહ્યુ છે. તાજેતરમાં સુરત સહિત વિવિધ શહેરોમાં પાટીદારોએ પોતાના શક્તિનુ પ્રદર્શન કરાવી દીધા બાદ હવે અમદાવાદમાં રપમી ઓગષ્ટના રોજ મહારેલી થકી પાટીદારો પોતાની તાકાતનું પ્રદર્શન કરવા જઇ રહ્યા છે અને આ મામલે આંદોલનકારો અને સરકાર આમને-સામને આવી ગયા છે તેવે વખતે આંદોલનકારીઓએ એવી રણનીતિ તૈયાર કરી છે કે જો અમદાવાદની મહારેલી પછી પણ અનામતની માંગણી ન સ્વીકારાય તો ભાજપના ૪ર પાટીદાર ધારાસભ્યો પાસેથી રાજીનામુ અપાવીને આનંદીબેન પટેલની સરકારનો ઘડો લાડવો કરી દેવો. એક ધારાસભ્ય તો જાહેરમાં અનામતની તરફેણમાં આવી ગયા છે જયારે ૧૭ ધારાસભ્યોનો અંદરખાને ટેકો હોવાનું કહેવાય છે. જયારે બાકીનાઓને મનાવવાના પ્રયાસો ચાલુ છે તેવુ આજે મીડ-ડેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે.
ધારી-બગસરાના ભાજપના ધારાસભ્ય નલીન કોટડીયાએ સત્તાવાર રીતે પોતાનો ટેકો અનામત આંદોલનને જાહેર કરી દીધો છે પરંતુ હકીકત એ છે કે, તેમના સિવાય ૧૭ પાટીદાર ધારાસભ્યો એવા છે કે જેઓ પાટીદાર અનામત આંદોલનની તરફેણમાં છે અને આંદોલનના ભાગરૂપે ગમે તે ઘડીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની તૈયારી રાખીને બેઠા છે. અત્યારે શાંત બેઠેલા આ ધારાસભ્યો અંદરખાને બાકીના પાટીદાર ધારાસભ્યોને અનામત આંદોલનની તરફેણમાં લેવાનુ કામ કરી રહ્યા છે.
ભાજપના કુલ ૧૧૭ ધારાસભ્ય છે અને જે પૈકી ૪ર ધારાસભ્ય પાટીદારો છે. આ ૪ર ધારાસભ્યમાંથી એક ખુલ્લેઆમ અનામતની તરફેણમાં બહાર આવ્યા છે અને બીજા ૧૭ પણ તરફેણ કરી રહ્યા છે. સીધો હિસાબ એ થયો કે, બાકી ર૪ ધારાસભ્યો એવા છે જેઓ સંગઠનની બીકની મર્યાદા કે બીકને હિસાબે અનામત આંદોલનને પ્રાઇવેટમાં પણ ટેકો આપવા તૈયાર નથી.
રપમીએ અમદાવાદમાં પાટીદારોની મહારેલી છે પણ એ પછી પણ જો સરકાર અનામત માટે તૈયાર ન થાય તો શું કરવુ ? એ પ્રશ્નના ભાગરૂપે જે રણનીતિ બનાવવામાં આવી છે તેમાં પાટીદાર ધારાસભ્યોને મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
રપમીએ અમદાવાદમાં પાટીદારોની મહારેલી છે પણ એ પછી પણ જો સરકાર અનામત માટે તૈયાર ન થાય તો આગળની રણનીતીના રૂપમાં પાટીદાર ધારાસભ્યોને મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યુ છે કે, પહેલુ અને આખરી ધ્યેય અનામત છે વચ્ચે જે કોઇ વિઘ્ન આવશે તો તેને પાર પાડવા માટે ચાણકયથી લઇને સરદાર પટેલે સુચવેલા તમામ માર્ગોનો અમે અમલ કરશુ.
જો આનંદીબેન સરકાર હકારાત્મક ન બને તો પાટીદાર ધારાસભ્યોને એક થઇને રાજીનામુ અપાવીને ગુજરાત સરકારને સાણસામાં લેવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કુલ ૧૮ર ધારાસભ્યો છે. તેમાંથી ૧૧૭ ભાજપના છે. આમાંથી ૪ર પાટીદાર ધારાસભ્યો રાજીનામુ આપી દયે તો એવા સંજોગો ઉભા થાય કે ભાજપ સરકાર પાસે માત્ર ૭પ ધારાસભ્યો વધે જેને લીધે તે લઘુમતીમાં મુકાઇ જાય અને જો એવી પરિસ્થિતિ આવે તો ગુજરાતમાં ભાજપનો ગઢ તુટી પડે. જો આવુ પગલુ લેવામાં આવે તો નિશ્ચિતરૂપે ગુજરાતમાં ભાજપની બદનામી થાય અને આવુ ન થાય એ માટે ભાજપમાં બેઠેલા પાટીદાર ધારાસભ્યો પણ સરકાર ઉપર અનામત સ્વીકારવાની બાબતમાં પણ દબાણ લાવવાનું શરૂ કરી દીધુ છે.