બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (14:44 IST)

રાજકોટમાં કોરોનાના કેસો વધતાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ બેઠક યોજી

સૌરાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજકોટમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. કોરોનાને અંકુશમાં લેવા માટે આજે શુક્રવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ રાજકોટ દોડી આવ્યા છે. જયંતી રવિએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રેમ્યા મોહન, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 30 ટકા લોકો હોમ આઇસોલેટ હેઠળ છે. ટેસ્ટમાં વધારો કરવાથી કેસો વધ્યા છે. પરંતુ સરકારે આપેલી સૂચનાઓના અમલથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. લોકોએ ડરવાની નહીં સાવચેતી રાખવાની જરૂર છે. જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 30 ટકા લોકો હોમ આઇસોલેટમાં છે. તે લોકોને સારી સારવાર મળી રહી છે. ધન્વંતરી રથ ઘણા ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ધન્વંતરી રથની ડોર ટુ ડોર પ્રક્રિયાથી સારા પરિણામ મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં 990 એક્ટિવ કેસ છે જેમાં 257 જેટલા ગ્રામ્ય વિસ્તારનાર છે. ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે 10 લાખની વસ્તીએ 140 ટેસ્ટ આપણે ઓછામાં ઓછા કરવા જોઈએ. આથી ટેસ્ટ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. સુપર સ્પ્રેડર હોય છે તેવા લોકોની ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગીચ વિસ્તારમાં રહેતા લોકોમાં કોરોનાનો આંક વધ્યો નથી. દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ સરેરાશ 90 કેસ નોંધાય રહ્યા છે. રાજકોટ જિલ્લામાં કેસની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કેસની સાથોસાથ મોતનો આંકડો પર ઉપર જઈ રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 9 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. અન્ય જિલ્લામાંથી કોરોના દર્દીઓ રાજકોટ સારવાર હેઠળ હોવાથી રાજકોટનો ડેથરેટ ઉંચો જઈ રહ્યો છે.