મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જૂન 2022 (11:43 IST)

વડોદરાના કમલાનગર તળાવમાંથી 5.30 લાખની 2000ની નોટો મળી

18મી જૂૂનના રોજ વડાપ્રધાનના કાર્યક્રમના પૂર્વ દિવસે શહેરના આજવારોડ પાસે આવેલા કમલાનગર તળાવમાંથી રૂા.5.30 લાખની રોકડ મળી આવતાં શહેર પોલીસ તંત્રમાં હલચલ મચી ગઇ હતી, પોલીસે રોકડ ફેંકનારની તપાસ હાથ ધરી છે. 18મી જૂને જયારે કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી એ દિવસની આસપાસ શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ કરી હતી એટલે તે સંસ્થાને નોટનું બંડલ રાતના સમયે ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે.બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 18મી જૂનના રોજ શહેરના લેપ્રસી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો પણ તે દિવસ પૂર્વે શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઈ કરવા માટે કેટલાક શ્રમિકોને કામે લગાડાયા હતા ત્યારે એક શ્રમિકની નજર એક કોથળીમાં તરી રહેલાં રોકડ નોટોના બંડલ પર પડતાં તેણે સાથી શ્રમિકોને કહ્યું હતું ત્યારે ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને શ્રમિકે જાણ કરી હતી.રેલવે કોન્સ્ટેબલે તુરંત જ શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને શહેર પોલીસે બાપોદ પોલીસને આ બાબતે સંદેશો આપ્યો હતો. જેથી બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નોટોના બંડલ કબજે કર્યા હતા અને પોલીસ મથકે જમા કરાવ્યા હતા.આ બનાવના બીજા દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી પોલીસે વાત દબાવી રાખી હતી. તળાવમાંથી મળેલી નોટોમાં ફૂગ લાગી ગઇ હતી એમ બાપોદ પોલીસે જણાવ્યું હતું. નોટોની હાલત લાગતું હતું કે નોટોનું બંડલ ઘટનાના ચાર દિવસ પૂર્વે ફેંકાઈ હોવાનું અનુમાન છે.તળાવમાંથી મળેલી નોટોને શોધવા માટે બાપોદ પોલીસના પોસઇ ભીલે તપાસ હાથ ધરી હતી તેઓએ તળાવથી દૂર આવેલા અને તે તરફ આવનારા રસ્તાઓના 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા પણ નોટો ફેંકનારની કોઇ ભાળ પોલીસને મળી ન હતી.એસીપી એમ.પી.ભોજાણીએ જણાવ્યું હતું કે પીએમના કાર્યક્રમને લીધે તપાસ થોડીક મંદ હતી પણ હવે તપાસ વેગીલી રીતે કરવામાં આવશે.બાપોદ પોલીસને મળી આવેલી બે હજારની નોટો કુલ 5.30 લાખની હતી, આ નોટોને લઇ જઇ બેંકમાં ખરાઈ કરાઈ હતી. નોટો સાચી હોવાનું બહાર આવતાં નોટોને બાપોદ પોલીસમાં જમા કરાવાઈ હતી. પોલીસે ભીની નોટોને સૂકવી ફરી બંડલમાં ગોઠવવી પડી હતી.તળાવમાંથી ચલણી નોટો મળી આવવાનો શહેરમાં આ પહેલો કિસ્સો નથી. સાડાપાચ વર્ષ અગાઉ પણ શહેરના દંતેશ્વર તળાવમાંથી ચલણી નોટો મળી આવી હતી. નોટબંધી પછીના કેટલાક દિવસો બાદ રૂ. 500-500ની નોટોના બંડલ દંતેશ્વર તળાવમાંથી મળી આવ્યાં હતા.