1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 માર્ચ 2021 (22:35 IST)

ગુજરાતમાં ભાજપ 25 વર્ષ, પાર્લામેન્ટથી પંચાયત સુધીની સફર

દેશભરમા ગુજરાતને હિંદુત્વની પ્રયોગશાળા અને ભાજપનું એક મોડલ સ્ટેટ ગણવામાં આવે છે. ભાજપને 14 માર્ચના રોજ ગુજરાતમાં સત્તાના 25 વર્ષ પુરા કરી લીધા છે. આજથી 25 વર્ષ પહેલાં એટલે કે 14 માર્ચ 1995 ના રોજ ગુજરાતમાં ભગવો લહેરાવ્યો હતો અને ભાજપ સત્તામાં આવી હતી. 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી વિધ્વંસ બાદ હિંદુત્વની આંધી ગુજરાતમાં પરત ફરી અને 1995 માં ભાજપ 121 સીટો પર બહુમત સાથે સત્તામાં આવી હતી અને આ દરમિયાન ગુજરાતમાં ભાજપનો જન્મ સત્તાધારી પાર્ટીના રૂપમાં થયો હતો. કેશુભાઇ પટેલ ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. 
 
જોકે ભાજપના સત્તામાં લગભગ 6 મહિનાઓ બાદ કેશુભાઇ સરકારમાં બગાવત થઇ ગઇ હતી. તે સમયે અટલ બિહારી વાજપેયીને મધ્યસ્થતા કરી વિદ્રોહને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મામલો શાંત થતાં સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. આ પ્રકારે 6 મહિનાની અંદર જ વધુ એક ભાજપ મુખ્યમંત્રીને સત્તા સંભાળી હતી. જોકે ભાજપમાં બગાવતનો દૌર પણ અટક્યો નહી. 
 
ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ વિદ્રોહ કરી દીધો હતો અને 47 ધારસભ્યો સાથે તે કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. જોકે આ સિલસિલો પણ લાંબો સમય ચાલી શકયો નહી અને 1996-97 સુધી એક વર્ષ મુખ્યમંત્રી રહ્યા બાદ દિલીપ પારીખ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ શંકર સિંહ વાઘેલાએ પોતાની પાર્ટીનું કોગ્રેસમાં વિલય કરી દીધો હતો. 
 
ત્યારબાદ 1998 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 117 સીટો સાથે શાનદાર જીત પ્રાપ્ત કરી. આ વખતે કેશુભાઇના નેતૃત્વમાં સરકાર બની. જોકે 2001 માં આવેલા ભૂકંપએ કચ્છને બરબાદ કરી દીધું હતું અને તાત્કાલિક કેશુભાઇની ઉદાસીનતાના લીધે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખરાબ રીતે હારી ગઇ હતી. તેમાં પાર્ટીમાં કેશુભાઇ વિરૂદ્ધ અસંતોષ ઉપજવાથી કેશુભાઇને મુખ્યમંત્રીના પદેથી દૂર કરવામાં આવ્યા હતા. 
 
ઓક્ટોબર 2001 માં કેશુભાઇ પટેલના ગયા બાદ ગુજરાતની સત્તા નરેન્દ્ર મોદીના હાથમાં આવી. નરેન્દ્ર મોદીને પણ કચ્છ ભૂકંપથી માંડીને પાર્ટીની આંતરિક જૂથવાદ સુધી ઘણા પડકરોનો સામનો કરવો પડ્યો. પરંતુ તે પાર્ટીને સ્થિર રાખવામાં સફળ રહ્યા. તો બીજી તરફ 2002 માં ભાજપ હિંદુત્વ કાર્ડના લીધે ગુજરાતના લોકોને જોરદાર રીત મતદાન કરી ફરીથી ગુઅજ્રાતની કમાન ભાજપને સોંપી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 127 સીટો અને 2007 માં 116 સીટો જીતી હતી. 
 
ત્યારબાદ 2012 માં એટલે કે સતત 5મી વિધાનસભા ચૂંટણીમાં 115 સીટો સાથે નરેન્દ્ર મોદી ત્રીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. એટલું જ નહી આ સાથે જ તેમના પીએમ બનવાની ચર્ચા થવા લાગી અને આખરે ભાજપે તેમને પોતાના પ્રધાનમંત્રી ઉમેદવાર જાહેર કરી દીધા. આ પ્રકારે નેતૃત્વમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમત સાથે સત્તામાં આવી અને નરેન્દ્ર મોદી પીએમ બની ગયા. નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ ગુજરાતની સત્તા તાત્કાલિક શિક્ષામંત્રી આનંદીબેન પટેલને સોંપવામાં આવી. 
 
જોકે પાટીદાર અનામત આંદોલનના કારણે 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની આકરી હાર થઇ તો કેશુભાઇ પટેલની માફક આનંદીબેન પટેલની ખુરશી જતી રહી. ત્યારબાદ ઓગસ્ટ 2016માં વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીની ઐતિહાસિક જીત સાથે સાથે ભાજપ હવે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીમાં છે.