શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (13:18 IST)

ગુજરાતના વિશ્વ ગૌરવ એશિયાટિક લાયનની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો, ઘુડખરની સંખ્યા વધીને ૬૦૮૨ થઇ

ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે. સિંહોની વસ્તી ૫૨૩થી વધીને ૬૭૪ થઇ છે. એટલું જ નહીં, ઘુડખરની વસ્તીમાં પણ ૩૭ ટકાની વૃધ્ધિ થવાથી અગાઉની ૪૪૦૩ ઘુડખરની સંખ્યા હવે ૬૦૮૨ થઇ છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૯મી બેઠકમાં ગુજરાતની આ ગૌરવ સિદ્ધિઓની વિગતો સૌ સભ્યોને આપવામાં આવી હતી.
 
વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા વન પર્યવારણના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ ૧૯મી બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની વન્ય સૃષ્ટિ, જંગલ વિભાગના વિવિધ કામોની સમીક્ષા કરી હતી.
 
આ બેઠકમાં વન્ય પ્રાણી સૃષ્ટિના જતન-સંવર્ધન અંગેની ચર્ચા દરમ્યાન જણાવવામાં આવ્યું કે, આ વર્ષે કચ્છના મોટા રણમાં ફલેમીંગોનું સામૂહિક નેસ્ટીંગ મોટા પ્રમાણમાં નોંધાયું છે. તેમજ ગ્રેટર અને લેસર ફ્લેમીંગોની વસાહત સ્થપાઇ છે અને ૧ લાખથી વધારે સંખ્યામાં બચ્ચાં જોવા મળ્યા છે.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે મુખ્યમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી વિશ્વની સૌથી ઝડપી જંગલ સફારી સરદાર ઝિઓલોજિકલ પાર્કના નિર્માણ દ્વારા દેશ-વિદેશના ૧૫૦૦થી વધુ પ્રાણી-પક્ષીઓ પાર્કમાં આકર્ષણ કેન્દ્ર બન્યા છે.  આ સમગ્ર વિષયે પણ તલસ્પર્શી છણાવટ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
 
વન્યપાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ૨૯ હેઠળ વિવિધ હેતુ માટે રક્ષિત વિસ્તારના ઉપયોગ માટે કેટલીક દરખાસ્તો માટે મંજૂરી આપવા આ બેઠકમાં ભલામણ કરવામાં આવેલી જેમાં ઓઇલ એન્ડ ફ્રુડ પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન, ઇલેક્ટ્રિક લાઇન, રોડ ટ્રાન્સમીશન લાઇન અને ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇકો સેન્સિટિવઝોનમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લી. ગાંધીનગરની નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને મંજૂરી માટે ભલામણ કરવામાં આવેલી છે.
 
સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના નોમીનેટ સભ્યો દ્વારા કેટલાક અગત્યના સૂચનો કરવામાં આવ્યા હતા. તેમાં બૃહદ ગીરનો મેનેજમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવો, સ્ટાફની ભરતી કરવી, સિંહોના સ્વાસ્થ્ય માટે કાળજી લેવા તથા કેવડીયા ખાતે ખૂબ જ ટૂંકા ગાળામાં વૈવિધ્યસભર પ્રવાસન સ્થળે વન અને વન્યજીવનના સંર્વધન અને સંરક્ષણ સાથે વિકાસ કરવામાં આવેલો છે તેની પ્રશંસા કરવામાં આવી હતી.