શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (14:19 IST)

સુરતના સરથાણામાં બસસ્ટોપ પર જ BRTS બસ સળગી ગઈ, વિદ્યાર્થીઓ બસમાંથી ઊતરી જતાં બચી ગયા

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ ખાતે બસમાં આગની ઘટના બની હતી. જેથી અફરાતફરી મચી ગઈ હતી. બસ સ્ટોપ પર એકાએક બસમાં આગ લાગતાં શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ દોડતા થયા હતા.

ફાયર વિભાગને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.સુરતના સરથાણા વિસ્તારમાં સવારે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આજે સવારે પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ બીઆરટીએસ બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના બનતાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા, પરંતુ ધુમાડો નીકળતાંની સાથે જ સમયસૂચકતા દાખવીને તેઓ નીચે ઊતરી ગયા હતા. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂને લીધી હતી.બીઆરટીએસ બસ સ્ટોપ પર ઊભેલી બસમાં એકાએક આગ લાગતાંની સાથે જ કોઈ સમજે એ પહેલાં તો આગે સમગ્ર બસને લપેટમાં લઈ લીધી હતી. સવારના સમયે ખૂબ મોટી સંખ્યામાં અવરજવર કરનારા લોકો પણ બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આ બાબતે ફાયર અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિ થઈ નથી.