શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (12:25 IST)

રાજકોટના જસદણમાંથી નકલી IPS અને રૉ ઓફિસર ઝડપાયો

રાજકોટના જસદણમાંથી નકલી આઈપીએસ અને નકલી રો ઓફિસર સંજય ઉર્ફે કુમાર પ્રભાત પટેલને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. તે એક શખ્સ સાથે તેના કોઈ સંબંધીને જામીન અપાવી દેવા માટે મીટીંગ કરતો હતો બરાબર ત્યારે જ બાતમી મળતા પોલીસે સકંજામાં લીધો હતો. તેણે નકલી આઈપીએસ બની કેટલા પાસેથી તોડ કર્યા છે તે મુદે પોલીસે તપાસ હાથ ધરી છે. જસદણ પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે જસદણ-વિંછીયા બાયપાસ રોડ પર હોમગાર્ડ ઓફિસની સામેથી નકલી આઈપીએસ અધિકારી સંજયને અટકાવી અંગજડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાં રહેલા પાકીટમાંથી ડો.સંજયકુમાર પટેલ, આઈપીએસ, એડીશ્નલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ નામનું નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું.

આ સાથે સંજયકુમાર પ્રભાતભાઈ પટેલના નામનું રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ, ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા લખેલું રોના અધિકારીનું બીજુ નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું. આ રીતે તે આઈપીએસ અને રો અધિકારીના નકલી આઈકાર્ડ બનાવી કામ પતાવી આપવાના બહાને લોકોને ખંખેરતો હતો. જયાંથી તેને પોલીસે પકડયો ત્યાં તે વિશાલ ઉર્ફે બિચ્છું લધરાભાઈ ધોડકીયા કે જે હિરા ઘસું છે તેની સાથે મીટીંગ કરતો હતો. વિશાલે પોલીસને કહ્યું કે તે તેના સગાના જામીન બાબતે આરોપી સંજયને મળવા આવ્યો હતો. જેણે તેને કહ્યું હતું કે હું આઈપીએસ અધિકારી છું ગમે તેવા કામ હોય તે પતાવી આપુ છું. જેથી તેની સાથે મીટીંગ કરી હતી. પોલીસે આરોપી સંજય પાસેથી તેનું ઓરીજનલ આધારકાર્ડ અને ડ્રાઈવીંગ લાયસન્સ, બે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા હતા. હાલ પોલીસે આરોપી સંજય વિરૂધ્ધ રાજય સેવક તરીકે ખોટું નામ કે હોદો ધારણ કરવા અંગે અને બોગસ દરસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ જસદણ પોલીસે ગુનો દાખલ કરી આજે તેની વિધિવત ધરપકડ કરી હતી. આજે પોલીસ દ્વારા આરોપીના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમા રજુ કરાશે.