ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (19:17 IST)

ACB એ રાજ્યમાં બે દિવસમાં ચાર લાંચિયા અધિકારીઓને ઝડપ્યા

gujarat news
gujarat news
સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે ACB એક્શનમાં આવી છે. છેલ્લા બે દિવસમાં ACBએ ચાર અધિકારીઓને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા છે. આજે મહેસાણામાંથી આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને 30 હજારની લાંચ લેતા પકડી પાડ્યો છે. 
 
30 હજારની લાંચ લેતા આરોપી અધિકારી ઝડપાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આરોપીએ ફરીયાદી તથા તેમના સ્ટાફના કર્મચારીઓના ઓડિટમાં નાની નાની ભૂલો કાઢી, તેમની પાસેથી પૈસાની રિકવરી કરવી પડશે તેવું કહ્યું હતું. ઓડિટ પુરું કરવા અને હેરાન નહીં કરવા માટે વ્યવહાર પેટે 65 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકઝક ના અંતે  30 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોવાથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. ત્યાર બાદ લાંચનુ છટકુ ગોઠવીને  ફરીયાદીએ લાંચની રકમ આરોપીને આપતા આરોપી લાંચના છટકા દરમ્યાન સ્થળ ઉપર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડાઇ ગયો હતો. આરોપી લખનસિંઘ ગીરધારીલાલ મીણા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વર્ગ-2 તરીકે ઓફિસ ઓફ ધી પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-૧) રાજકોટ ખાતે ફરજ બજાવે છે. તેણે મહેસાણામાં જિલ્લા ક્ષય કેન્દ્ર મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં લાંચની માંગ કરી હતી. 
 
મુંદ્રામાં કસ્ટમ ઓફિસર અને અમદાવાદમાં પોલીસકર્મી ઝડપાયો
આ ઉપરાંત કચ્છના મુંદ્રા પોર્ટ ખાતેથી સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ વર્ગ-2ના બે અધિકારીઓ સહિત એક સ્થાનિકને એસીબીએ એક લાખની લાંચના કેસમાં પકડી પાડ્યા હતાં. આ સિવાય અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. અમદાવાદ ACBએ આ અંગે છટકું ગોઠવતા ASI ઝડપાઇ ગયો હતો, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ACBની ટીમ હોવાનું જાણવા મળતા જ રફુચક્કર થઈ ગયો હતો. આમ ACBએ છેલ્લા બે દિવસમાં ચાર લાંચિયા અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતાં.