અપના હાથ જગન્નાથ - 15 ગામ લોકોની પહેલ જાતેજ કરો વિકાસ
તળાજા તાલુકાના ગામ લોકોએ જાણે સરકારના ગાલ ઉપર એક લપડાક આપી હોય એમ પાળાનું કામ જાતે જ ઉપાડી લીધું હતું. દરિયાઈ તટના વિસ્તારની ભૂગર્ભ જમીનમાં ખારનું પ્રમાણ અટકાવવા માટે મેથાળા બંધારા પર પુર ઝડપે પાળા બાંધવાનું કામ ઉપાડી લીધું હતું. ખરેખર આ બંધારાની યોજના 80 કરોડ રૂપિયાની છે. જેમાં મેથળા બંધારા યોજનામાં મુળ પ્રોજેકટમાં વારંવાર ફેરફાર, વન વિભાગની જમીન મેળવવામાં તેમજ પર્યાવારણનાં પ્રશ્નો સહિત કોઇને કોઇ કારણસર આ યોજનાં ઘોંચમાં પડી છે. અંતે ગ્રામજઓએ સરકારની હૈયા ધારણાઓથી તંગ આવીને ‘અપના હાથ જગન્નાથ’નું સુત્ર અપનાવીને તગારા, પાવડા, ટ્રેકટર, લોડર, વાહનો, સાથે સ્વયંભુ આ કાર્ય ઉપાડી લીધુ છે.
1985માં બંધારાની યોજના જાહેર કરાઈ હતી પણ કોઈને કોઈ કારણોસર અમલ થયો નહીં આ કાર્યમાં સુરત વસતા દાતાઓનો સહયોગ પ્રાપ્ત થતા ગ્રામજનોનો ઉત્સાહ બેવડાયો છે. છેલ્લા અઠવાડીયાથી આ બંધારાના પાળા માટે મેથળા અને આજુબાજુનાં મધુવન, પ્રતાપરા, ઝાંઝમેર, કેરાળ, રાજપરા, મંગેવા, વેજોદરી, તલ્લી, બાંભોર, વાલર, રોજીયા, વાટલીયા, કોટડા, દયાળ, જાદપર, સહીત આજુબાજુનાં ગામનાં લોકો શ્રમદાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કોઇ રાજકીય સત્તાધિશો ડોકાયા નથી, પરંતુ ખેડૂતોની સાથે હમેંશા રહેતા માજી ધારાસભ્ય કનુભાઇ કળસરિયા આજે સ્થળ પર જઇને ખેડૂતોની વાતને ટેકો આપ્યો હતો.