બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 નવેમ્બર 2019 (10:37 IST)

અયોધ્યા : સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં કેવો છે શહેરનો મિજાજ – ગ્રાઉન્ડ રિપોર્ટ

ફૈસલ મોહમ્મદ અલી
બીબીસી સંવાદદાતા, અયોધ્યાથી
 
રામજન્મભૂમિના પૂજારી સત્યેન્દ્ર દાસને ત્યાં રામ વનવાસમાંથી પરત ફર્યાની ખુશીમાં આયોજિત થયેલા અન્નકૂટ ભોજનની એક પંગતમાં બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી પણ હતા. માત્ર આટલું જ નહીં, સત્યેન્દ્ર દાસે ઇકબાલ અંસારીને બક્ષિસ તરીકે 100 રૂપિયા પણ આપ્યા હતા.
એક સાથે એક જ આસન પર બેસીને સત્યેન્દ્ર દાસે અને ઇકબાલ અંસારીએ મીડિયાને આમંત્રણ, એકબીજા સાથે મળવા વિશે અને અયોધ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની વાતો કરી.
જોકે, સત્યેન્દ્ર દાસ બાબરી મસ્જિદને એક 'માળખું' કહે છે, તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે "જો ત્યાં ખરેખર મસ્જિદ હોત તો સુન્ની વક્ફ બોર્ડે કોર્ટમાં પોતાનો દાવો 1961માં જ કેમ રજૂ કર્યો."
"રામલલ્લા છેલ્લાં 26 વર્ષોથી ત્યાં બેઠા છે અને હવે લાગે છે કે તેમના ભવ્ય મંદિરના નિર્માણનો સમય પાકી ગયો છે."
સત્યેન્દ્ર દાસ પોતાના નિવાસસ્થાને પ્રથમ માળે એક રૂમમાં ઓશીકા પર ટેકો લઈને બેઠા છે. ધનુષ-બાણ ધારી રામનું એક મોટું પોસ્ટર તેમની પાછળની દીવાલ પર દેખાઈ રહ્યું હતું.
 
જૂના વિવાદમાં સંત પરિવાર
સંત કબીરનગર સાથે સંબંધ ધરાવતા આચાર્ય સત્યેન્દ્ર દાસની નિમણૂક બાબરી મસ્જિદ વિધ્વંસ કરાયાના થોડાક મહિના પહેલાં જ કરાઈ હતી.
તેમની નિમણૂક જન્મભૂમિના જૂના પૂજારી અને આરએસએસ, વીએચપી અને બજરંગ દળના કઠોર ટીકાકાર લાલદાસને હઠાવ્યા બાદ થઈ હતી.
મસ્જિદ તોડી પાડવાના 11 મહિના બાદ જ 1993માં તેમની હત્યા કરી દેવાઈ હતી.
આ એ સમયગાળો હતો જ્યારે રામજન્મભૂમિ વિવાદમાં પક્ષકાર સ્થાનિક હિંદુ સંગઠનો જેમ કે, નિર્મોહી અખાડાને સાઇડ-લાઇન કરીને હિન્દુત્વવાદીઓ તેની પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા હતા.
રામજન્મભૂમિ ન્યાસના ગોપાલદાસ જણાવે છે કે, "કેન્દ્રમાં મોદી અને અહીં યોગીના શાસનકાળમાં રામલલ્લા વિરાજમાન છે, એક ભવ્ય મંદિરનું નિર્માણ જરૂર થશે."
રામજન્મભૂમિ-મંદિરનિર્માણ ન્યાસના જન્મેજય શરણ જણાવે છે કે, "નિર્ણય તો રામમંદિરના પક્ષમાં જ આવશે."
 
જન્મભૂમિ-નિર્માણ-સંગઠનનું સ્વરૂપ
રામના નામ પર બની ગયેલાં આ સંગઠનોમાંથી કોઈ પણ જન્મભૂમિની ન્યાયિક લડતનો ભાગીદાર નથી.
જોકે, નૃત્યગોપાલ દાસ સરકારના નિકટ હોવાનું માનવામાં આવે છે અને એવી ચર્ચા છે કે જો નિર્ણય મંદિરના પક્ષમાં આવશે તો મંદિરનિર્માણનું કામ તેમના સંગઠનને જ આપવામાં આવશે.
કેટલાક લોકો સોમનાથના મંદિરની જેમ એક બોર્ડ બનાવવાની પણ વાત કરી રહ્યા છે.
નિર્મોહી અખાડા અને હિંદુ મહાસભા જેવાં સંગઠનો જેઓ જન્મભૂમિની આ લડત અડધી સદી કરતાં પણ વધારે સમયથી લડી રહ્યાં છે.
સંઘ પરિવારના રામમંદિરના રાજકારણનો ભાગ ન બની શકવાને કારણે હાલ તેમને સાઇડ-લાઇન કરી દેવાયાં છે.
નિર્મોહી અખાડાના જર્જરિત મકાનમાં આસોપાલવના વૃક્ષ નીચે બેઠેલા દીનેન્દ્રદાસ જણાવે છે કે, "નિર્મોહી અખાડાએ પોતાના કામનો પ્રચાર નથી કર્યો. જ્યારે તેમણે કર્યો. રામના નામનો પ્રચાર તો કોઈ પણ કરી શકે છે."
જોકે, તેઓ જણાવે છે કે તમામ હિંદુપક્ષો સાથે મળીને આગળ શું કરવાનું છે એ નિર્ણય કરશે.
 
કાર્યશાળાનો નજારો
રામજન્મભૂમિ માટે જે કાર્યશાળામાં નિર્માણસામગ્રી બનીને તૈયાર થતી રહી છે, ત્યાં હાલ શાંતિ છે. નજીકના મંદિરમાંથી લાઉડસ્પીકર પર વાગી રહેલા ભજનનો અવાજ આવી રહ્યો છે અને પર્યટકોની ભીડ જામેલી છે.
ગાઇડ શ્રદ્ધાળુઓને મંદિરપરિસરમાં જ રહેલાં આકર્ષણો બતાવી રહ્યા છે, જેમાં રામમંદિર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા કારસેવકોને પ્રદર્શિત કરાયા છે.
જોકે, આ વાતના કોઈ ઐતિહાસિક પુરાવા નથી, પરંતુ ચિત્રોમાં એ દૃશ્ય પણ બતાવવામાં આવ્યું છે, જેમાં બાબર રામમંદિરને ધ્વસ્ત કરી દેવાના આદેશ આપતા દેખાય છે.
શું અયોધ્યામાં ગાઇડ પણ મળી જાય છે? આ પ્રશ્નના જવાબમાં સ્થાનિક પત્રકાર મહેન્દ્ર ત્રિપાઠીએ હસતાં-હસતાં જણાવ્યું કે, "રામના નામ પર ઘણા લોકોની દુકાનો ચાલી રહી છે."
કારસેવકપુરમના સુપરવાઇઝર અન્નુભાઈ સોનપુરા જણાવે છે કે, હાલ થોડા દિવસ પહેલાં જ એક કારીગરનું મૃત્યુ થયું છે. ત્યારથી કામ બંધ છે.
એક સમય એવો હતો જ્યારે અહીં 150 કારીગરો કામ કરતા હતા, પરંતુ લાલ પથ્થરનાં એ થાંભલા અને નકાશીકામ વગેરે કાળાં પડી ગયાં છે, અન્નુભાઈ સોનપુરા પ્રમાણે ઉપયોગ કરતાં પહેલાં તેને ફરીથી ઘસવા પડશે.
કારસેવકપુરમની બહાર જ ચા-પાણીની દુકાન ચલાવનારા સંતોષ ચૌરસિયા રામમંદિર ન બનાવાના કારણે ઘણા નારાજ છે.
તેઓ થોડાક દિવસો પહેલાં થયેલા દિપોત્સવ પર પ્રશ્નો ઊભા કરતાં કહે છે કે, "એ પાંચ લાખ દીવા પ્રગટાવીને શું થયું? અત્યારે લોકો આગ્રા જઈને તાજમહેલ જોવા જાય છે. જો રામમંદિર બની ગયું હોત તો લોકો મંદિર જોવા પણ આવ્યા હોત."
પછી આપમેળે કહેવા લાગ્યાં, "મંદિર નહીં જ બનવા દે ને, કારણ કે તેમની કમાણી પર કાપ મુકાઈ જશે. તેમને મત નહીં મળે."
કારસેવકપુરમ પર અયોધ્યા શહેરની હદ લગભગ ખતમ થઈ જાય છે, પરંતુ ત્યાં પણ બીજા ઘણા વિસ્તારોની જેમ જ સુરક્ષાબળોના જવાનોની એક ટુકડી હાજર છે. પોલીસ બંદોબસ્તથી ટેવાઈ ચૂકેલા અયોધ્યાવાસીઓ રોજિંદા કામોમાં વ્યસ્ત છે.
હનુમાનમંદિરની ગળીમાં હંમેશાંની જેમ ખુરચનથી માંડીને કેસરીયા પેંડા અને લાડુનું વેચાણ થઈ રહ્યું છે અને શ્રદ્ધાળુઓ ગાડીઓ અને બાઇક પર સવાર થઈને દર્શનાર્થે પહોંચી રહ્યા છે.
 
શું કહે છે બંને સમાજના આગેવાનો?
મુજીબુર અહમદ જણાવે છે કે અયોધ્યામાં તમામ સમુદાયો વચ્ચે એ જ કાકા-ભત્રીજા, નાના ભાઈ-મોટા ભાઈવાળા સંબંધો છે 'જે કંઈક ગરબડ દેખાઈ રહી છે તે ચેનલવાળા જ બતાવી રહ્યા છે.'
રોહિતસિંહનો વિચાર છે કે ભલે ગમે એ થઈ જાય, પરંતુ મંદિરનિર્માણકાર્ય તો આગામી લોકસભા ચૂંટણી પૂર્વે એટલે કે વર્ષ 2022 પહેલાં તો શરૂ નહીં જ થાય.
આ બાબતે રહેમાન અંસારી પ્રશ્ન ઉઠાવે છે કે એ વાતની શું ગેરંટી છે કે જો નિર્ણય મુસ્લિમોના પક્ષમાં આવશે તો હિંદુઓ તેને માની લેશે અને જો નિર્ણય હિંદુઓના પક્ષમાં આવશે તો મુસ્લિમો એ નિર્ણયને સ્વીકારી લેશે?
બાબરીપક્ષના રહનુમા ખાલિક અહમદ ખાન જણાવે છે કે, "જો કોર્ટનો નિર્ણય કાયદા પ્રમાણે યોગ્ય હશે તો મુસ્લિમપક્ષ તેને જરૂર માની લેશે, જો આવું નહીં હોય તો અમે આગળની કાર્યવાહી અંગે વિચારીશું અને જો જરૂર પડશે તો ફરીથી કોર્ટમાં અપીલ પણ કરીશું."
ખાલિક અહમદ ખાન સુપ્રીમ કોર્ટના આદેશ પર બનેલી સમજૂતીસમિતિને પણ મળ્યા હતા અને તેઓ દાવો કરે છે કે મુસ્લિમો પર દબાણ કરાઈ રહ્યું હતું કે તેઓ બાબરી મસ્જિદવાળી જમીન પરનો દાવો છોડી દે.
બાબરી મસ્જિદના પક્ષ રહેલા પક્ષકારોનું કહેવું છે કે તેમણે તમામ જૂના દાવાઓને પાછા લઈ લીધા છે. તેઓ જે 120*40 ફૂટની જમીન પર દાવો કરી રહ્યા છે તેની પાછળનું કારણ એ છે કે મસ્જિદની વક્ફ બોર્ડની જમીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ભારતીય વક્ફ કાયદાની વિરુદ્ધ છે.
ખાલિક જણાવે છે કે "અમે તો આટલી જમીન છોડીને મંદિરનિર્માણકાર્ય શરૂ કરી દેવાના પક્ષમાં પણ છીએ. અમે તો ફરીથી મસ્જિદની માગ પણ નથી કરી રહ્યા, પરંતુ કેટલાક લોકો આ વિવાદને મંદિર બનાવવાના વિવાદ કરતાં વધારે હિંદુ-મુસ્લિમના વિવાદ તરીકે રજૂ કરવામાં વધારે રસ ધરાવે છે."