Bhachau Accident - કચ્છના ભચાઉમાં ચાર વાહનો વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, 1 બાળક સહિત બે ના મોત
કચ્છમાં ભયાવહ અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે કચ્છના ભચાઉમાં ચાર વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા એક નાનકડા બાળક સહિત બે લોકોના મોત થયા છે. ભચાઉ નજીક આવેલા કેસરીગઢ રિસોર્ટ પાસે મોડી રાત્રે એક સાથે ચાર નાની-મોટી ગાડીઓ અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી, જેમાં એક કારમાં પરિવાર ફસાયો હતો. કારમાં સવાર અન્ય લોકોને બચાવી લેવાયા હતા પણ અંદાજે બે વર્ષનું બાળક આગમાં દાઝી જતાં તેનું મોત થયું હતું.
આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ભચાઉ નજીક આવેલા કેસરી ગઢ રિસોર્ટ સામે રાત્રે 12 વાગ્યાના અરસામાં કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ધકાડાભેર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. એમાં કારમાં સવાર એક વર્ષનું બાળક બળીને ભડથું થઇ ગયું છે, જ્યારે પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલા બે ટ્રેલર પણ આગ લાગેલા વાહનો સાથે અથડાયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. કારમાં એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. આ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર એક નાનું બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારમાં સવાર પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતાં 108, પોલીસ કાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે 108 દ્વારા ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડ્યું છે, જ્યાં હજી દંપતીને બાળકના મોત અંગે જાણ નથી. જ્યારે પોલીસે મૃતકોને પી.એમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.