સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (12:22 IST)

ધ વાયર વેબસાઈટ સામે ભાજપ અધ્યક્ષના પુત્ર જય શાહે બદનક્ષીની ફરિયાદ કરી

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ અમિત શાહના પુત્ર જય શાહે આજ મેટ્રોપોલિટન કોર્ટ નં. ૧૩ માં પોતાની બદનામી કરવાના આરોપસર અહેવાલ પ્રસિદ્ધ કરવા માટે ધ વાયર ન્યૂઝ પોર્ટલ અને તેના પત્રકાર, તંત્રી અને પ્રકાશક વિરૃધ્ધ ફોજદારી કેસ કર્યો છે. આજે સાંજે જય શાહ સિનિયર વકીલ એસ.વી. રાજુ સાથે મેટ્રોપોલિટન કોર્ટમાં ઉપસ્થિત થયા હતા અને કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ રજૂ કરી હતી.

કોર્ટે ફરિયાદીનું વેરિફિકેશન કર્યું હતું. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીએ આ ફરિયાદના આક્ષેપો અંગે તપાસ માટે પ્રોસીજર હેઠળ ઇન્કવાયરીનો હુકમ કર્યો છે. કોર્ટે એવો નિર્ણય કર્યો હતો કે આ ફરિયાદની ઇન્ક્વાયરી બાદ સમન્સ જારી કરશે. ભાજપના નેતા અમિત શાહના પુત્ર જય શાહે કરેલી ફોજદારી ફરિયાદમાં જણાવ્યું છે કે ધ વાયર પોર્ટલે પોતાના વિશે ખોટા, બનાવટી, ગેરસમજ ફેલાવાનાર તથા બદનામી થાય તેવા અહેવાલ પ્રગટ કર્યો હોઇ તેઓની સામે ફોજદારી ધારાની કલમ ૫૦૦, ૧૦૯, ૩૯ અને ૧૨૦બી ગુનાની કાર્યવાહી કરવામાં આવે. આ ફરિયાદમાં સાત જણાને આરોપી તરીકે દર્શાવ્યા છે. જેમાં અહેવાલના લેખક રોહિણી સિંહ, ન્યૂઝ પોર્ટલના સ્થાપક તંત્રી સિધ્ધાર્થ વરદરાજન, સિધ્ધાર્થ ભાટીયા અને એમ.કે. વેણુ, મેનેજિંગ તંત્રી મોનોબિના ગુપ્તા પબ્લિક તંત્રી પમેલા ફિલિપોઝ અને ફાઉન્ડેશન ફોર ઇન્ડેપેન્ડન્ટ જર્નાલિઝમ-નોન પ્રોફિટેબલ કંપની જે ધ વાયર નામનું પ્રકાશન કરે છે. ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે તા.૭મીએ રાતે ૧ વાગે ઇ મેઇલ પર ન્યૂઝ પોર્ટલે ફરિયાદીને દસ સવાલો પૂછ્યા હતા અને ધમકી આપી હતી કે તેના જવાબ દસ વાગ્યા સુધીમાં નહીં મળે તો રિપોર્ટ પ્રસિધ્ધ કરવામાં આવશે. આ સવાલોના જવાબ મોકલ્યા હતા તેમાંથી સાતના જવાબો અનુકૂળ હોય તે રીતે પ્રસિધ્ધ કર્યા હતા.