અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ
આવતીકાલે 26 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર અમદાવાદ શહેર પોલીસને મળતા દોડધામ મચી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામાં પત્રને લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર આજે મળ્યો છે. જેને લઇ અને હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધમકી ભર્યા પત્ર મળતા સમગ્ર શહેરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે
મળતી માહિતી મુજબ આજે અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં આવતીકાલે 26 જાન્યુઆરીએ સવારે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર બસ સ્ટેન્ડ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. જે પત્ર મળતાની સાથે જ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દોડતી થઈ ગઈ હતી. આ પત્ર કોના દ્વારા લખવામાં આવ્યો છે કોણે પહોંચાડ્યો હતો. તે સમગ્ર બાબતની તપાસ શરૂ કરી છે હિન્દીમાં આ પત્ર લખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે બોમ્બ બ્લાસ્ટની ધમકીના પગલે પોલીસ સતત એલર્ટ બની ગઈ છે.કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેસેજના પગલે રેલવે પ્રોટેક્શન ફોર્સને પણ જાણ કરવામાં આવી છે. સામાન્ય રીતે 26 જાન્યુઆરીના દિવસે શહેરના મહત્વ રેલવે સ્ટેશન ઉપર એલર્ટ આપવામાં આવતું હોય છે. જેના પગલે રેલવે પ્રોટેક્શન કોર્સ દ્વારા તકેદારી રાખવામાં જ આવતી હોય છે. ત્યારે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર 12-12 કલાકનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.