બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (16:00 IST)

ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીઓ ગુમ થવાનો મામલો, ABVPના પૂર્વ કાર્યકરે જ આખો ખેલ પાડ્યો

ABVPનો પૂર્વ કાર્યકર સની ચૌધરી વિદ્યાર્થીઓને મોડી રાત્રે આંખે પટ્ટી બાંધીને પેપર લખવા લઈ ગયો હતો
વિદ્યાર્થીઓના નિવેદનમાં ખુલાસા થયો કે, તેઓનો સંપર્ક સની ચૌધરી નામના એજન્ટે કર્યો હતો
 
 
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે પોલીસ તપાસ શરૂ થઈ હતી. પોલીસે આ મામલે 14 જેટલા વિદ્યાર્થીઓના નિવેદન નોંધ્યા હતાં. તે ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થીઓને ABVPના પૂર્વ કાર્યકર સની ચૌધરી નામના એજન્ટે સંપર્ક કર્યો હતો. તેણે એક પેપર દીઠ 50 હજાર લઈને વિદ્યાર્થીઓને પેપરો લખાવ્યા હતાં. 
 
તમામ વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા
ગુજરાત યુનિવર્સિટીમાંથી ઉત્તરવહીઓ ગુમ થવા મામલેપોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે. પોલીસે બોટની વિભાગના કર્મચારીઓ અને પ્રોફેસરોને નિવેદન લેવા માટે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસે 10 જેટલા વ્યક્તિના નિવેદન નોંધ્યા હતા. પોલીસે શંકાસ્પદ કર્મચારીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. ત્યારબાદ કર્મચારીઓના મોબાઈલ ફોનના ડેટાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે પોલીસે જે અલગ અલગ કોલેજના 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ હતી તે વિદ્યાર્થીઓને નિવેદન માટે બોલાવ્યા હતા. પોલીસે તમામ વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા હતા. 
 
વિદ્યાર્થીઓને અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા
વિદ્યાર્થીઓના નિવેદનમાં ખુલાસા થયો કે, તેઓનો સંપર્ક સની ચૌધરી નામના એજન્ટે કર્યો હતો. સનીએ વિદ્યાર્થીઓને પાસ કરાવવાની લાલચ આપી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી એક પેપર દીઠ 50 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. તેણે વિદ્યાર્થીઓને પાસ કરાવવાની લાલચ આપતાં વિદ્યાર્થીઓ તૈયાર થઈ ગયા હતાં અને 10 જુલાઈએ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બોટની વિભાગમાંથી મેળવી લીધી હતી. ઉત્તરવહી મેળવ્યા બાદ  મોડીરાતે વિદ્યાર્થીઓને રાણીપ અને આસપાસના વિસ્તારમાં ભેગા કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓને સની પોતે ગાડીમાં લેવા ગયો હતો. સનીએ વિદ્યાર્થીને ગાડીમાં બેસાડીને આંખે કાળી પટ્ટી બાંધી દીધી હતી અને તેમના મોબાઈલ ફોન સ્વીચઓફ કરાવી દીધા હતા. વિદ્યાર્થીઓને ગાડીમાં અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. આ પેપર લખવા વિદ્યાર્થીઓને લખવા માટે સાહિત્ય પણ આપ્યું હતું.
 
સની ચૌધરી ABVPનો કાર્યકર્તા રહી ચૂક્યો છે
વિદ્યાર્થીઓએ પેપરમાં પાછળ નિશાની છોડી તેના આધારે સ્ટ્રોંગ રૂમમાં પેપર અલગ કરવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થિની હોશિયાર હતી તેને પેપર માટે કોઈ પૈસા આપ્યા નહોતા અને પેપર પુરું લખ્યું હતું. તેનું પેપર પણ કાઢી લેવામાં આવ્યું હતું જેથી હોશિયાર વિદ્યાર્થિનીના પેપરમાંથી અન્ય વિદ્યાર્થી પેપર લખી શકે. પૈસા આપીને 26 ઉત્તરવહી કાઢવાની હતી પરંતુ 2 વધારાની ઉત્તરવહી કાઢવામાં આવી હતી. સની ચૌધરી ABVPનો કાર્યકર્તા રહી ચૂક્યો છે. તેના સોશિયલ મીડિયામાં કેટલાક ભાજપના નેતાઓ સાથેના પણ ફોટા છે. સનીએ એક નહીં, પરંતુ નર્સિંગના 3 પેપર માટે સેટિંગ કર્યું હતું, પરંતુ પહેલાં પેપરમાં જ ભાંડો ફૂટી ગયો છે. અત્યારે સની ચૌધરી ફરાર છે પોલીસ  તેની શોધખોળ કરી રહી છે. સની ચૌધરીની ધરપકડ થાય તો યુનિવર્સિટીના કર્મચારીઓના નામ પણ ખૂલવાની શક્યતા છે.