શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 જુલાઈ 2020 (13:06 IST)

સીએમ અને ડે. સીએમને પણ ક્વોરન્ટીન થવું પડશે, કોરોના પોઝિટીવ ધારાસભ્યના સંપર્કમાં આવ્યાં હોવાની વાત

રાજ્યના એક મંત્રી અને ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવતા હવે તેમના સંપર્કમાં મુખ્યપ્રધાન કે નાયબ મુખ્યપ્રધાન આવ્યા હોવાની વાત ચાલી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનએ પણ ક્વોરન્ટીન થવું કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. આ માટે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઈ ગઈ છે, ગુજરાતના વન મંત્રી રમણલાલ પાટકર અને સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી આ બંનેના સંપર્કમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પણ આવ્યા હોવાની તપાસ કરવા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. રાજ્યના મંત્રી રમણલાલ પાટકરને કોરોના પોઝિટિવ આવતા ફરી એકવાર સરકાર અને સચિવાલયમાં દોડધામ મચી ગઇ છે. માનવામાં આવે છે કે રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પણ મંત્રી પાટકરને મળ્યા હતા, સુરત કામરેજના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.  કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનની ટીમ દોડતી થઈ છે. હાલ તેમને ઘરે જ કોર્પોરેશની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરી રિપોર્ટ કરાઈ રહ્યા છે. ઝાલાવાડિયાના પોઝિટિવ રિપોર્ટને કારણે રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઈ છે. કારણ કે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા હતા.