1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2020 (14:36 IST)

ખંભાતના તોફાનોમાં ૯ જેટલા ગુન્હા નોંધી ૧૧૫થી વધુ આરોપીઓની ધરપકડ, આરોપીઓ પાસેથી નુકસાનની રકમ વસૂલાશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઇપણ ખૂણામાં કોમી તોફાનો દ્વારા અશાંતિ સર્જવાના પ્રયાસોને સફળ નહી થવા દેવાય. આ પ્રકારના પ્રયાસો સાંખી નહીં લેવાય. રાજકીય આકાઓના ઇશારે ગુજરાતના શહેરોમાં અશાંતિ ફેલાવવાના મનસુબા કોઇ કાળે સફળ થશે નહીં. વિધાનસભા ગૃહમાં તાકીદની જાહેર અગત્યની બાબત ઉપર તાજેતરમાં ખંભાત શહેરમાં થયેલા કોમી તોફાનોને કડક હાથે ડામી દેવામાં આવ્યા હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઘટનાની ગંભીરતા પારખીને ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
 
ખંભાતમાં પથ્થરો પડવાની અફવાઓને કારણે બે જુથો વચ્ચે સામ સામા પથ્થરમારથી તોફાનો ફાટી નિકળ્યા હતા. આ ઘટનાની જાણ થતા રાજ્ય સરકાર દ્વારા કોઇપણ હિસાબે કોમી તોફાનોને ડામી દેવાના નિર્દેશો આપીને નિર્દેશો આપીને એડી. ડી.જી. લૉ એન્ડ ઓર્ડર, આઇ.જી. – આર્મ્ડ યુનિટ, અમદાવાદ રેંજના આઇ.જી., ખેડા અને અમદાવાદ ગ્રામ્યના એસ.પી., એસ.આર.પી. કમાન્ડન્ટ, એસ.એમ.સી. તેમજ અમદાવાદથી એ.ટી.એસ.ની ટીમ તાકીદે મોકલવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડાને પણ ખંભાત મોકલીને પરીસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાત્કાલિક રેપિડ એક્શન ફોર્સની બે કંપની, સી.આર.પી.એફ.ની પાંચ કંપની ખડકી દેવામાં આવી હતી. 
 
જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે અટકાયતી કાર્યવાહી, ફ્લેગમાર્ચ, સ્ટેટીક ડીપ્લોયમેન્ટ, ધાબા પોઇન્ટ, કોમ્બીંગ તથા સીનીયર અધિકારીઓ દ્વારા પેટ્રોલીંગ જેવા ત્વરીત પગલા લેવાના કારણે પરીસ્થિતિ તાત્કાલીક નિયંત્રણમાં લાવવામાં આવી હતી. આણંદ, બોરસદ અને તારાપુરથી ૧૦ ફાયર ટેન્ડરો પહોંચાડવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખંભાતના કોમી તોફાનોમાં ૯ જેટલા ગુન્હા નોંધીને ૧૧૫ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તોફાનીઓમાં ભેદ રાખ્યા વિના અસમાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
શાંતિ, સલામતિ અને સુરક્ષાને વરેલી અમારી સરકારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શાસન સંભાળ્યું હતું ત્યારથી એટલે કે છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતને કરફ્યુમુક્ત શાસન આપ્યું છે. ડેમોગ્રાફીકલ ચેઇન્જ થવાના કારણે આંતરીક પડોશીયો જુદા હોવાના કારણે મકાનો ખાલી કરાવીને પોતાના ધંધા ચલાવવા માંગતા હોય તો અમારી સરકાર તે હરગીજ ચલાવી લેશે નહીં. રાજ્ય સરકાર એવા કોઇપણ પ્રયાસોને સાંખી નહીં લે કે જેમાં સ્થાનિક અસામાજીક તત્વો મકાનો ખાલી કરાવીને પ્રભુત્વ સ્થાપવાનો ધંધો ચલાવે. સ્થાનિક ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા ખંભાત શહેરમાં અશાંતિધારો તાત્કાલીક લાગુ કરીને આવા તત્વોને રૂક જાવનો આદેશ આપ્યો છે. ખંભાત શહેરમાં ભાવસારવાડા અને અકબરપુરા એમ બે પોલીસ ચોકીઓ શરૂ કરવા માટે પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 
 
રાજ્યમાં CAA (નાગરિકતા સંશોધન કાયદા)ના કેન્દ્ર સરકારના નિર્ણયનો અમલ કરાવવા રાજ્ય સરકાર મક્કમ હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, આ કાયદાના વિરોધમાં ખંભાત, શાહપુર, કાલુપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાં હમે ચાહીએ આઝાદીના નારા લગાવીને તોફાનો કરાવવાની કોશિશ કરાવનારા વિરૂધ્ધ પોલીસ સખ્ત કાર્યવાહી કરશે. આ પ્રકારની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓને અટકાવવા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 
 
જેના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફતે સમગ્ર રાજ્યની અંદર જરૂરી સુચના આપવામાં આવે છે. મુસ્લીમ આગેવાનો સાથે મહોલ્લા મીટીંગ કરવામાં આવી રહી છે, ફુટ પેટ્રોલીંગ સઘન કરવામાં આવ્યું છે, વધુ વર્ક ફોર્સ કામે લગાવવામાં આવ્યું છે. આર.પી.એફ, સી.આર.પી.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે. આવા સંવેદનશીલ વિસ્તારોમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ અને સી.સી.ટીવીના માધ્યમથી શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર નિગરાની રાખવામાં આવી રહી છે.
 
રાજ્યની સાડા છ કરોડ જનતાની સુરક્ષા માટે એક લાખથી વધુ પોલીસ જવાનોનું સંખ્યા બળ પ્રતિબધ્ધ હોવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આવી ઘટનાઓ બને ત્યારે આવા તોફાનીઓ પાસેથી – આરોપીઓ પાસેથી નુકસાનીની રકમ વસુલ કરવા મુખ્ય મંત્રી દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવા વહીવટી તંત્રને સુચના આપી દેવામાં આવી છે.