ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (13:20 IST)

હેડક્લાર્કની ભરતીના પેપરલીક મામલે આજે બપોરે અમદાવાદમાં કોંગ્રેસ બાઈક રેલી યોજશે, NSUIના કાર્યકર્તાઓ જોડાશે

ગઈ કાલે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યુ હતું
રાજયમાં બિનસચિવાલયની હેડક્લાર્કની ભરતીની પરીક્ષાના પેપરલીક મામલે ભાજપના વિરોધમાં આજે બપોરે 2 વાગ્યે ગુજરાત કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલડી ડો. રાજીવ ગાંધી ભવનથી કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવામાં આવશે. આજે યોજાનારી રેલીમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. જો કે પોલીસ દ્વારા રેલીને પરમિશન આપવામાં આવી નથી. જેના કારણે પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની કાર્યાલય બહારથી જ ધરપકડ કરી લેવામાં આવી શકે છે. કોંગ્રેસ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. NSUIના કાર્યકર્તાઓ પણ રેલીમાં જોડાશે. ગુજરાત યુનિવર્સિટીથી બાઇક લઈ તેઓ પાલડી આવશે અને ત્યાંથી તેઓ કલેક્ટર ઓફિસ જશે.
 
કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું
હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને છ મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફૂટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી. ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.
 
આજથી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ આંદોલન કરશે
આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે, યુવાન નેતા યુવરાજસિંહે પેપરલીક થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ આ ભાજપની સરકાર કંઈ સાંભળે તેમ નહતું. જેથી અમે એક પાર્ટી તરીકે ધરણાં કર્યાં હતાં. અમે હાલમાં સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ રજુ કરી છે. જ્યાં સુધી અમારી માંગો નહીં સંતોષાય ત્યાં સુધી અમે આમરણાંત ઉપવાસ આંદોલન કરીશું. ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે