શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 માર્ચ 2020 (13:33 IST)

ગુજરાતમાં દરરોજ 99 લાખ લોકોનો હેલ્થ સર્વે, 6 દિવસમાં 5 કરોડ 90 લાખથી વધુનો સર્વે પૂર્ણ

હાલ ગુજરાતમાં કોરોનાના 69 કેસ સામે આવ્યા છે અને તેમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે, ત્યારે રાજ્ય સરકાર છેલ્લા 6 દિવસથી ફોન અને હાઉસ ટૂ હાઉસ સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં 5 કરોડ 90 લાખ 6 હજારથી વધુ લોકોનો સર્વે કર્યો છે. આમ રોજ લગભગ 99 લાખ લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો હોવાનો આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દાવો કરી રહ્યાં છે. જે અંગે સરકારી અધિકારીઓનું કહેવું છે કે, કોલ ડેટાના આધારે ખાનગી કોલ સેન્ટરો અને સરકારની વિવિધ સંસ્થાઓ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.
આ સર્વેમાં 86,274 લોકોએ પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 69,892એ આંતરરાજ્ય અને 16382એ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો છે. તેમજ 231 લોકોમાં રોગના ચિન્હો જોવા મળ્યા છે. હાલ 18701ને હોમ ક્વોરેન્ટીન, 744 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટીન અને 172ને પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરેન્ટીન મળીને કુલ 19617ને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. તેમજ ક્વોરેન્ટીનનો ભંગ કરનારા 236 સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  
થોડા સમયે પહેલા ટ્રાઈએ રજૂ કરેલા ગુજરાતના સામાજિક આર્થિક સમીક્ષાના રિપોર્ટના આંકડા મુજબ ગુજરાતની કુલ વસ્તી 6.27 કરોડ છે. તેની સામે 7 કરોડ ટેલિફોન જોડાણો છે. જેમાં 10 લાખ લેન્ડલાઈન ફોન ઉપરાંત 6 કરોડ 90 લાખ મોબાઈલ ફોન યુઝર્સ છે. ગુજરાતમાં ઈન્ટરનેટ ધારકોની સંખ્યા 4 કરોડ 20 લાખ 61 હજાર છે. આમ ગુજરાતની કુલ વસ્તી કરતા ટેલિફોન જોડાણોની સંખ્યા 73 લાખ વધુ છે.
ગુજરાતમાં દર 100 વ્યક્તિદીઠ ટેલિડેન્સિટી 106.05 ટકા આંકવામાં આવી છે. ગુજરાત રાજ્યની દેશ સાથેની સરખામણીના આંકડા મુજબ ભારતના કુલ ટેલિફોન જોડાણમાંથી 5.86 ટકા ગુજરાતમાં છે. જ્યારે મોબાઈલ ફોનમાં પણ સમગ્ર દેશમાં ગુજરાતમાં 4.67 ટકા યુઝર્સ છે. ઇન્ટરનેટધારકોની સંખ્યા સમગ્ર દેશમાં ગુજરાતમાં 6.20 ટકા આંકવામાં આવી છે.