બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2019 (15:33 IST)

બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાની માંગ સાથે રાજ્યભરમાં પરીક્ષાર્થીઓનો હોબાળો

બિન સચિવાલયની પરીક્ષામાં પેપર ફૂટી ગયાનાં આક્ષેપ સાથે રાજ્યમાં અનેક જગ્યાએ પરીક્ષાર્થીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યાં છે. રાજ્યમાં સુરત, રાજકોટ, અરવલ્લી, વડોદરામાં વિદ્યાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાની માંગ સાથે તથા હવે પરીક્ષા ઓનલાઇન લેવાની માંગ સાથે ભેગા થયા હતાં. અનેક જિલ્લામાં કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. જેમાં મુખ્યત્વે જણાવ્યું હતું કે, ગત 17 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં મોટાભાગનાં સેન્ટરોમાં વ્યાપકપણે ગેરરિતીઓ થઇ છે. ગેરરિતીઓના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. ભાવનગરમાં પરીક્ષા પૂર્વે પેપર ફૂટી ગયું હોવાનો કિસ્સો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. પારદર્શકતાની વાતો માત્ર પોકળ છે. ખરેખર મહેનત કરીને પરીક્ષા આપનાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગંભીર ચેડા થયા છે. ત્યારે આ પરીક્ષા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ફરીથી લેવામાં આવે તેવી અમારી માંગણી છે.કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં પરિક્ષાર્થીઓ ભેગા થયા હતાં. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ સાથએ વિદ્યાર્થીઓની એવી પણ માંગ હતી કે, આ પરીક્ષા જો ઓનલાઇન લેવાય તો આટલી ગેરરીતિ ન થાય.