ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

ખેડૂતોને વાવણી માટે સૌની યોજના અને કડાણા યોજનામાંથી એક પાણ પાણી અપાશે : નીતિન પટેલ

ગાંધીનગર: રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ખેડૂતોનો પાક બચાવવા અને વાવણી કરવા માટે સુજલામ-સુફલામ યોજના, સૌની યોજનામાં નર્મદાનું પાણી અને કડાણા યોજનામાંથી મહી કમાન્ડના વિસ્તારોમાં આજથી એક પાણ પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અસ્ધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોના હિત માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. જેના પરિણામે ખેડૂતોને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે અને પશુઓને પીવાના પાણીની સુવિધા વધુ ઉપલબ્ધ થશે.
 
 
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી ધારાસભ્યો-ખેડૂત આગેવાનોની મળેલ રજુઆતોને પરિણામે આ નિર્ણય કરાયો છે. જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ૪૦૦ થી વધુ તળાવો કે જે નર્મદા પાઇપલાઇનથી જોડાયેલા છે તે તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે તે જ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ જે વિસ્તારોમાં સિંચાઇ માટે પાણીની જરૂરીયાત છે તે વિસ્તારોમાં પણ નર્મદાના નીર પમ્પીંગ કરીને પુરા પાડવામાં આવશે. 
 
 
એ જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ખેડા-આણંદ જિલ્લામાં જ્યા ડાંગરની વાવણી-ધરૂનું રોપાણ થયુ છે તે વિસ્તારોમાં ધરૂ બચાવવા માટે પણ કડાણા બંધમાંથી મહી યોજના દ્વારા કમાન્ડ વિસ્તારમાં આજથી જ એક પાણ માટે પાણી પુરૂ પાડવામાં આવશે સાથે-સાથે ખેડૂતોને અગાઉ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ આઠ કલાકના બદલે ૧૦ કલાક વિજળી પુરી પાડવામાં આવી રહી છે.
 
 
તેમણે ઉમેર્યુ કે, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર-પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે તે સંદર્ભે પણ રાજ્ય વહીવટી તંત્રને સંપૂર્ણ એલર્ટ કરી દેવાયુ છે અને કોઇ પણ  પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર રહે તે માટે પણ સૂચનાઓ આપી દેવાઇ છે.