ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા પડેલા અમદાવાદના ચાર મિત્રો ડૂબ્યા, એકનો બચાવ
તાજેતરમાં અમદાવાદના ઓઢવના ત્રણ યુવકો ઝાંઝરી ધોધમાં ન્હાવા પડ્યા હતા, જેમાંથી બે યુવકો લાપતા થયા અને એકનો આબાદ બચાવ થયો. ત્યારે હવે ફરીવાર અમદાવાદના 9 જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યાં હતા. ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબ્યા હતા. જે બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ 4 માંથી એકનો જીવ બચાવી લીધો હતો. જોકે, ત્રણના ખાલી મૃતદેહ જ હાથ લાગ્યા હતા.ઘટનાની જાણ થતાં જ સેવાલીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.
ગળતેશ્વરમાં અમદાવાદથી 9 મિત્રો ફરવા આવ્યા હતા. ત્યારે મહીસાગર નદીમાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન ચાર મિત્રો ડૂબી ગયા હતા. જેથી બુમાબુમ થવા લાગી હતી. તે દરમિયાન સ્થાનિક તરવૈયાઓએ યુવકોને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા. જોકે, માત્ર એક જ યુવકનો જીવ બચાવી શકાયો હતો. જ્યારે ત્રણ યુવકોના માત્ર મૃતદેહ જ હાથ લાગ્યા હતા. જેઓને મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગઈકાલે બપોરે બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.