સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (19:07 IST)

ગુજરાતના ખેડૂતો માટે સરકારનો નિર્ણય, ખેતરમાં ગ્રેડીંગ, શોર્ટીંગ અને પેકિંગ એકમ ઉભા સહાય અપાશે

૧૫૦ ચો.મી.માં બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે મહત્તમ રૂ. ૧૦ લાખની મર્યાદામાં સહાય ચૂકવાશે
બાગાયતી પાકોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવા માટે માળખાકીય સુવિધા ઉભી કરવા રાજ્ય સરકાર આપશે સહાય
 
અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હવે બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં સરકારે વધુ એક નિર્ણય લીધો છે.બાગાયતી પાકોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવા માળખાકીય સુવિધા ઉભી કરવા માટેની મહત્વપૂર્ણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ નવી યોજના માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા ૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
 
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સરકારની નવી યોજના
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાગાયતી પેદાશોનું શોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને પાકનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો બજારમાં સારા ભાવથી તેનું વેચાણ કરી શકે તે છે. આ નવી યોજના હેઠળ ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા માટે ઓછામાં ઓછું ૫૦ ચો.મીટર કે તેથી વધુના બાંધકામ એકમ પર ૩ લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧.૫૦ લાખ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ, વોશિંગ, પ્રાથમિક મૂલ્યવર્ધન, સંગ્રહ માટે ક્રેટસ વગેરે સાધનો માટે રૂ. ૧ લાખ ખર્ચને ધ્યાને લઈ ખર્ચના મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૦ હજાર એમ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. 
 
૫ લાખ સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે, બાગાયતી પાકોમાં કાપણી પછી મૂલ્યવર્ધનની વિવિધ પ્રક્રિયા માટેના ઓછામાં ઓછા ૧૫૦ ચો.મી. સુધીના બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે માળખાકીય સુવિધા, મશીનરી અને સાધન સામગ્રી વસાવવા રૂ. ૨૦ લાખ પ્રતિ એકમ ખર્ચ ધ્યાને લઇ મહત્તમ રૂ. ૧૦ લાખ સુધી સહાય આપવામાં આવશે. જેમાં બાંધકામ તથા આનુષંગિક સાધનો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. ૫ લાખ પ્રતિ એકમ એમ બંનેમાંથી જે ઓછું હોય તે કેપીટલ સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત બેન્ક લોન પર વાર્ષિક પાંચ ટકા વ્યાજ સહાય, એમ પાંચ વર્ષ દરમિયાન વધુમાં વધુ રૂ. ૫ લાખ સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.