બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 એપ્રિલ 2020 (11:45 IST)

કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોલીસ સાથે કરી ગાળાગાળી, નોંધાઇ ફરિયાદ

કોરોનાની મહામારીના કારણે હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકાડાઉનનું પાલન કરાવવું પોલીસ અને કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા અધિકારીઓ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે કેટલાક રાજકારાણીઓ પોતાના પાવરનો રોફ બતાવી ક્યારેક બિનજરૂરી રીતે વર્તન કરતા હોય છે. આજે સિદ્ધપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ટીઆરબી જવાન સાથે દાદાગીરી કરી હતી અને ગાળો ભાંડી હતી. 
 
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ટીઆરબી જવાન સાથે ગાળો ભાંડી હતી અને પોતે ધારાસભ્ય હોવાનો રોફ બતાવતાં મામલો ગરમાયો હતો. વિવાદ વકરતાં આખરે કોંગી ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને તેમના પુત્ર વિરૂધ્ધ બેચરાજી પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બેચરાજી ચેકપોસ્ટ પાસે ટીઆરબી જવાને ગાડી રોકતા કોંગ્રેસના ધારાસભ્ય એવા ચંદનજી ઠાકોરે ટીઆરબી જવાન સાથે ઉગ્ર બોલાચાલી સાથે બીભત્સ ભાષાનો પ્રયોગ કર્યો હતો. સમગ્ર મામલો ઉગ્ર બનતા ચંદનજી ઠાકોર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
 
આ ઘટનાને પગલે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કડક વલણ અપનાવી ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ગુનો દાખલ કરવા મહેસાણા એસપીને આદેશ કર્યો હતો. ત્યારબાદ મહેસાણા એસપીના આદેશને પગલે પોલીસે ચંદનજી ઠાકોર અને તેમના પુત્ર સામે જાહેરનામાના ભંગ, પોલીસની કામગીરીમાં રુકાવટ અને લોકડાઉન ભંગની ફરિયાદ નોંધાઈ છે. 
 
દરમ્યાન આ મામલે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરનાં TRB જવાન સામેનાં બિભત્સ વાણી-વર્તનનાં ટીવી-સોશિયલ મીડિયા પરનાં દ્રશ્યો જોઈને તમામ દર્શકોને આઘાત લાગે અને દુ:ખ થાય. પોતાનાં જાનનાં જોખમે જે કર્મવીરો અને સેવાવ્રતીઓ પોતાની ફરજ બજાવે છે ત્યારે  અભિનંદન આપવાને બદલે તેમનાં પર ગાળો વરસાવવી એ કોરોના વોરીયર્સનું અપમાન છે. સેવા અને માનવતાનું અપમાન છે.
પોતાની ફરજ બજાવતાં TRB નાં જવાન સામે કોંગ્રેસનાં ધારાસભ્યે જે રીતે ધાકધમકી, ગાળાગાળી સાથે જે બિભત્સ વાણી-વર્તન-વ્યવહાર કર્યો છે, તે અશોભનીય છે. નિંદનીય છે.
 
એકબાજુ PM નરેન્દ્ર મોદી, CM વિજય રુપાણી, દેશ-ગુજરાતની જનતા કોરોના વોરીયર્સને માન-સન્માન સાથે સતત બિરદાવતાં હોય. સમગ્ર મીડિયા જગત કોરોના વોરીયર્સને બિરદાવીને જનજાગૃતિ લાવવાનું કામ કરતું હોય ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય તેઓની સાથે અસભ્ય વર્તન કરીને અપમાન કરી રહ્યાં છે તે યોગ્ય નથી.
 
હવે કોંગ્રેસનાં નેતાઓ નિવેદનો દ્વારા કોરોના વોરીયર્સ TRB જવાનને પ્રોત્સાહિત કરે છે કે તેની સામે બિભત્સ વાણી- વર્તન કરનાર કોંગ્રેસનાં ધારાસભ્યની કુતર્ક દ્વારા તરફેણ કરે છે. તે જોવાનું રહ્યું.  કોંગ્રેસનાં આ પ્રકારનાં વિચારો-વ્યવહારો એ સેવા અને માનવતા માટે અવરોધરુપ છે.
 
ભરત પંડયાએ તમામ લોકોને વિનંતી કરી હતી કે જે લોકો પોતાનાં જાનનાં જોખમે કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવે છે. તેમને અભિનંદન આપીને પ્રોત્સાહિત કરે. મહેરબાની કરીને તેમની સાથે અયોગ્ય વર્તન કરે નહીં તેવી ભરત પંડયાએ અપીલ કરી હતી.