ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 27 ઑક્ટોબર 2021 (08:42 IST)

ગુજરાતના શિક્ષણ મંત્રીએ ડીફેન્સ ડીઝાઇન એન્ડ ટેકનોલોજી ઇન્ક્યુબેટર ઑફ ઇન્ડિયાનું કર્યું ઉદ્ઘાટન, બ્રાઉન-ફીલ્ડ સ્ટાર્ટઅપ્સને સમર્થન પૂરું પાડશે

ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલ કર્ણાવતી યુનિવર્સિટીમાં ડીફેન્સ ડીઝાઇન એન્ડ ટેકનોલોજી ઇન્ક્યુબેટર ઑફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ગુજરાતનું બીજું સંરક્ષણ ઇન્ક્યુબેટર છે. કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સમર્પિત છે અને તે આંતરશાખાકીય શિક્ષણ પર કેન્દ્રીત છે. આ ઇન્ક્યુબેટરનો ઉદ્ઘાટન સમારોહ યુનિવર્સિટીના પરિસરમાં યોજાયો હતો, જે આંતરશાખાકીય શિક્ષણની દિશામાં વધુ એક ડગલું છે.
 
કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડા, કર્ણાવતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. એ. કે. એસ. સૂર્યવંશી, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. રાજેશ એસ., યુનાઇટેડ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને બીજેવાયએમના ભૂતપૂર્વ સ્ટેટ પ્રેસિડેન્ટ ડૉ. ઋત્વિજ પટેલ ની સાથે ગુજરાત રાજ્યના રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બાબતના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી હર્ષ સંઘવી નોર્થ એક્સટેન્શન કેમ્પસમાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.
પોતાના મુખ્ય સંબોધનમાં ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘સ્ટાર્ટઅપની પૉલિસી વર્ષ 2017માં ઘડવામાં આવી હતી અને વર્ષ 2022માં અમે નવી નીતિ ઘડીશું. આ નીતિના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ્સને સમર્થન પૂરું પાડવા માટે યુનિવર્સિટીઓને કરવામાં આવતી ફાળવણીમાં વધારો કરીશું. આ નીતિ મારફતે અમે માઇન્ડ ટુ માર્કેટ ઇનિશિયેટિવ હેઠળ વિદ્યાર્થીઓના તમામ પ્રકારના નવીનીકરણોને સમર્થન પૂરું પાડીશું.’
 
દેશના અગ્રણી સંરક્ષણ, ડીઝાઇન અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર બનવાના તથા એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્ર માટે મેક-ઇન-ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્થન પૂરું પાડવાના વિઝનની સાથે DDTIIની પરિકલ્પના કરવામાં આવી છે. કંપનીઝ એક્ટ, 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલી નોટ-ફૉર-પ્રોફિટ કંપની ડીફેન્સ ડીઝાઇન એન્ડ ટેકનોલોજી ઇન્ક્યુબેટર ઑફ ઇન્ડિયા ફાઉન્ડેશન હેઠળ આ ઇન્ક્યુબેટરને પ્રમોટ કરવામાં આવ્યું છે.
 
હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને કરેલા તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટીએ સંરક્ષણ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ માટે એક અદભૂત મંચની રચના કરી છે. વિદ્યાર્થીઓ વધુને વધુ નવીનીકરણો કરી શકે તે માટે આગામી દિવસોમાં વધુ તકોનું સર્જન કરીશું.’
 
સમગ્ર ભારતમાં સંરક્ષણ ડીઝાઇન અને ટેકનોલોજીમાં નવીન સ્ટાર્ટ-અપના આઇડીયાને સમર્થન પૂરું પાડવાના ઉદ્દેશ્યની સાથે DDTIIની સ્થાપના કરવામાં આવી છે. ડીફેન્સ ડીઝાઇન એન્ડ ટેકનોલોજી ઇન્ક્યુબેટર ઑફ ઇન્ડિયા (DDTII) એ સંરક્ષણ ઉપયોગો માટેના ઉત્પાદનો અને સેવાઓ પર કેન્દ્રીત સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવા અને પ્રોત્સાહન આપવા માટેનું ડીઝાઇન કેન્દ્રી ટેકનોલોજી ઇન્ક્યુબેટર છે. જે સ્ટાર્ટ-અપ્સ એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં વિકાસની શક્યતાઓને ચકાસવા માંગે છે અથવા તો સાહસ ખેડવા માંગે છે, તેમના માટે તે ટેકનોલોજી, બિઝનેસ અને આંત્રપ્રેન્યોરશિપ માટેનો એક ઉત્તમ માહોલ ધરાવે છે. આ ઇન્ક્યુબેટર ગ્રીન-ફીલ્ડ તેમજ બ્રાઉન-ફીલ્ડ સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડે છે.
 
આ ઇન્ક્યુબેશન સેન્ટરનો પ્રારંભ પ્રગતિશીલ ભારત તથા તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધીઓના ભવ્ય ઇતિહાસના 75 વર્ષની ઉજવણી કરવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની સાથે અનુરૂપ છે. DDTII એ સમર્પિત ભારતીયોના પરિશ્રમનું ફળ છે, જેઓ ભારતને પ્રગતિના માર્ગ પર આટલે દૂર સુધી લાવવામાં કાર્યસાધક સાબિત થયાં હોવાની સાથે-સાથે આત્મનિર્ભર ભારતની ભાવનાથી પ્રેરિત ઇન્ડિયા 2.0ના વિઝનને સાકાર કરવાનું સામર્થ્ય અને ક્ષમતા પણ ધરાવે છે.