ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 એપ્રિલ 2018 (12:09 IST)

જસદણ ભાજપમાં ભારેલો અગ્નિ, પાલિકા પ્રમુખના રાજીનામા બાદ બંધનો ફિયાસ્કો

જસદણ નગરપાલીકાના પ્રમુખ દીપકભાઈ ગીડાએ ગત મંગળવારે જસદણ નગરપાલીકાના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતું. તેના સંદર્ભે જસદણ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે ગુરૂવારે જસદણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સ્વામીનારાયણ ગ્રુપ, જયઅંબે મંડળ, એકતા એન્ડ ગ્રુપ સહિતની વિવિધ સંસ્થાઓ, વિવિધ અગ્રણી વેપારીઓ વગેરે દ્વારા તા.19ને ગુરૂવારે જસદણના વેપાર-ધંધા બંધ રાખવાનું એલાન આપવામાં આવતા સ્થાનિક ભાજપનાં રાજકારણમાં હલચલ મચી જવા પામી હતી. પરંતુ આજે સવારથી જ દુકાનો ખુલી જતા બંધનો ફિયાસ્કો થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જસદણ નગરપાલીકા પ્રમુખ પદેથી ગત મંગળવારે દીપકકુમાર ગીડાએ રાજકોટ કલેકટરને રૂબરૂ મળી રાજીનામું આપ્યા બા ગઇકાલે બુધવારે સવારે જસદણ શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ ભાયાણીએ તેમનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપતા ભાજપનાં રાજકારણમાં નવો ભૂકંપ આવ્યો હતો. જસદણ શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઇ શામજીભાઇ ભાયાણીએ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાને પાઠવેલા રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે, તેમની નાદુરસ્ત તબીયતને લીધે શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી શકું તેમ નહી હોવાથી રાજીનામું આપું છું તેમ દર્શાવ્યું હતું. જો કે ધીરૂભાઇ ભાયાણીએ આપેલું રાજીનામું નહી પરંતુ નારાજગીનામું હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઇ રહી છે.