શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (12:58 IST)

મહીસાગરમાં પૂર આવતાં ઉમેટા ગામ સંપર્ક વિહોણું બન્યુ, 45 ગામો ઍલર્ટ પર

છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને પગલે કડાણા ડેમમાંમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે મહીસાગર નદી કાંઠાનાં ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો ગળતેશ્વર બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. આ ઉપરાંત પાનમ ડેમમાંથી 1.50 લાખ ક્યૂસેક પાણી છોડાતા મહીસાગર નદીમાં પૂર આવ્યું છે.

પૂરની સ્થિતિના પગલે આણંદ જિલ્લાનાં 45 ગામો ઍલર્ટ પર છે.મહીસાગરમાં ભારે પૂર આવતાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું ઉમેટા ગામ વિખૂટું પડ્યું છે. કડાણા ડેમમાં સતત વધતી સપાટીને ધ્યાનમાં રાખીને ડેમના 16 ગેટને 15 ફુટ સુધી ખોલીને 8 લાખ ક્યૂસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.ગઈકાલે મહીસાગર નદીમાં પાણી છોડાતાં કુલ 45 ગામો ઍલર્ટ છે. ગઈકાલે 40 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. ખેડા જિલ્લાનો ગળતેશ્વર-સાવલીને જોડતો બ્રીજ બંધ કરાયો છે, જ્યારે ઉમેટાથી વડોદરાને જોડતો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે.કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં વણાકબોરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. કડાણા અને વણાકબોરીના પાણીના કારણે ચરોતર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.