શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 એપ્રિલ 2022 (10:28 IST)

દાહોદના ખરોદામાં બે સંતાનોને કૂવામાં નાખી માતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

દાહોદ તાલુકાના ખરોદા ગામમાં રહેતી મહિલાએ અગમ્ય કારણોસર પોતાના બે સંતાનોને કૂવામાં ફેંકીને ઝાડ પર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં જંગી પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. ગામમાં પણ એક સાથે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હોવાના કારણે ભાગે ગમગીની ફેલાઇ ગઈ હતી.

મહિલાએ કયા કારણસર આ પગલું ભર્યું તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.ખરોદા ગામના કદી ફળિયામાં રહેતા અરવિંદભાઈ દીપાભાઈ ભાભોરે પોલીસને જણાવ્યું હતું કે, તેમના લગ્ન વર્ષ 2008માં રળિયાતી ગામના કુવાળી ફળિયામાં રહેતી 33 વર્ષીય કાળીબેન સાથે થયા હતા. જેમાં સૌથી મોટી છોકરી રેખા (ઉ.વ .13) તેના પછીનો છોકરો વજેસિંગ ઉર્ફે વીજ (ઉ.વ .10), તેના પછીનો છોકરો વિશાલ (ઉ.વ 8)નો છે, તેના પછીના બે જોડિયા સંતાન હતા. જેમાં છોકરી આરતી (ઉવ .6 વર્ષ) તથા છોકરો આર્યન (ઉં.વ. 6) વર્ષ છે.

10મી તારીખે રાત્રીના આશરે 11 વાગ્યાના સુમારે અરવિંદભાઈ એકલા તેમના જૂના ઘરે જઈને સૂઈ ગયા હતા. તેમની પત્ની કાળીબેન તથા 5 સંતાનો તથા ભાઈ પ્રવિણભાઈ દીપાભાઈ ભાભોરની પત્ની હંસાબેન તથા તેના નાના બાળક સાથે જૂના ઘરની સામે નજીકમાં નવા ઘરે જઈને સૂતાં હતાં.ત્યારબાદ 11મી તારીખે સવારના 7 વાગ્યાના સુમારે આર્યન રડતો રડતો અરવિંદભાઈ પાસે ગયો હતો. તેણે કહ્યું કે, બાપા મને મારી મા પાસે લઈ જાવ. જેથી આર્યનને લઈને નવા ઘરે ગયા હતા. ત્યાં જઈને જોયું તો પત્ની કાળીબેન તથા પુત્ર વજેસિંગ તથા પુત્રી આરતી જોવા ન મળ્યાં. જેથી ઘરની બહાર આવી છોકરો વિશાલ તથા છોકરી રેખાને પૂછ્યું કે, તારી માતા ક્યાં છે? તો તેણીએ રડતાં- રડતાં કહ્યું કે, બાપા પેલા આંબા ઉપર લીલું લીલું કંઈક લટકેલું દેખાય છે. જેથી મારા પિતા દીપાભાઈ દોડીને ત્યાં આંબાના ઝાડ પાસે ગયા હતા અને ત્યાં જઈને જોયું તો પત્ની કાળીબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. પણ છોકરો વજેસીંગ તથા છોકરી આરતી આજુબાજુમાં ક્યાંય જોવા મળ્યાં નહીં. તપાસ બાદ પત્નીએ ગળે ફાંસો ખાધો હતો તે આંબાના ઝાડની બાજુમાં વીસેક ફૂટ દૂર આવેલા કૂવામાંથી બંને બાળકો મરણ ગયેલ હાલતમાં મળી આવ્યા હતા.બે બાળકોને કૂવામાં નાખીને પોતે પણ આપઘાત કરી લીધો છે.

પોલીસ તપાસમાં જોતરાઈ છે ત્યારે આ પ્રકરણમાં માતા સામે હત્યાનો ગુનો દાખલ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે.ઝાડ ઉપર લટકેલી કાળીબેનના કપડાં ભીનાં હતાં. બાળકોને ફેંકીને કાળીબેન પણ કૂવામાં કૂદી હતી અને મોતના ભયે બહાર નીકળી ફાંસો ખાઈ ગઈ હતી કે પછી કૂવામાં પડેલા બાળકોને બચવામાં નિષ્ફ્ળ રહેતાં અવિચારી પગલું ભર્યું હતું તેની તપાસમાં પોલીસ જોતરાઈ છે.