સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (15:32 IST)

ભારતીય કંપનીઓ ન્યુ જર્સીમાં 11,000થી વધુ ભારતીય નાગરિકોને પૂરી પાડે છે સીધી રોજગારી

ન્યુ જર્સીનુ એક હાઈ-લેવલ ડેલીગેશન ગુજરાતના અગ્રણી ઉદ્યોગસાહસિકોને મળ્યુ હતું અને અમેરિકાના આ રાજ્યમાં ઉદ્યોગ સ્થાપી મૂડીરોકાણ કરવા માટે આગ્રહ કર્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન માટે સમર્પિત ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આઈએસીસી)ની ગુજરાત શાખાને ન્યુ જર્સીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કેટલાક કારણોથી ભારતીય કંપનીઓ માટે ન્યુ જર્સી એક પસંદગીનું સ્થળ બની શકે તેમ છે.
 
અમેરિકા અને ન્યુ જર્સીમાં બિઝનેસનો વિસ્તાર કરવા ઈચ્છતી કંપનીઓને સહાય કરતા સંગઠન 'ચૂઝ ન્યુ જર્સી' ના પ્રેસિડેન્ટ અને સીઈઓ વેસ્લી મેથ્યુએ જણાવ્યું હતું કે “ન્યુ જર્સી એ અમેરિકાનું ચોથા નંબરનું સૌથી નાનું રાજ્ય છે, અને તે ભારતીયોની સૌથી વધુ વસતિમાં બીજો નંબર ધરાવે છે. ન્યુ જર્સીમાં ગુજરાતી મૂળની પણ સૌથી વધુ વસ્તી છે. અમે ઈકોનોમિક ચેઈનમાં ઉચ્ચ દરજ્જો ધરાવીએ છીએ, પણ હજુ મોટી સંખ્યામાં ભારતીય વ્યવસાયો અમારા કુશળ માનવબળને કારણે ન્યુ જર્સીને બિઝનેસ તરીકેનું સ્થળ પસંદ કરે છે.”
 
મેથ્યુએ ન્યુ જર્સીની ઉત્તમ પબ્લિક સ્કૂલ સિસ્ટમને બિરદાવતાં જણાવ્યું હતું કે અહિંયા આરોગ્ય અને આર્થિક ગતિવિધીનું ટોચનું માળખું છે અને આ રાજ્યમાં મૂડીરોકાણ કરવાના અન્ય લાભ પણ છે.
 
ન્યુ જર્સીમાં 1100 બહુરાષ્ટ્રિય કંપનીઓ છે તથા અહીં 225 વિદેશી કંપનીઓનું વડુ મથક ધરાવે છે અને 15 ફોર્ચ્યુન-500 કંપનીઓ પણ આ રાજ્યમાં આવેલી છે. ભારત ન્યૂ જર્સીનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર અને ન્યુ જર્સી દ્વારા આયાત કરવામાં આવતા માલ-સામાનનું ચોથા નંબરનું સૌથી મોટું સપ્લાયર છે. ભારત અને ન્યુ જર્સી વચ્ચેનો દ્વિપક્ષી વેપાર 10.7 અબજ ડોલર છે.
 
આઈએસીસીની ગુજરાત શાખાના ચેરમેન ક્ષિતિજ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે “ભારત અને ન્યુ જર્સીએ આર્થિક સહયોગ, ક્લિન એનર્જી, ઉચ્ચ શિક્ષણ, પ્રવાસન, સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સાથે સાથે આરોગ્ય અને વેપાર ક્ષેત્રે સિસ્ટર સ્ટેટ તરીકે કરાર કરેલો છે. આઈએસીસી ગુજરાત અને ન્યુ જર્સી વચ્ચે અન્ય ક્ષેત્રોમાં પણ વ્યાપારી સંબંધોની વૃધ્ધિ માટે કટિબધ્ધ છે.”
 
ન્યુ જર્સી ઈન્ડિયા સેન્ટરના ડિરેક્ટર તરૂણ ગુપ્તાએ જણાવ્યું હતું કે “ભારતીય કંપનીઓ અમેરિકામાં 70,000 ભારતીય નાગરિકોને સીધી રોજગારી પૂરી પાડે છે, તેમાંથી 11,000થી વધુ ન્યુ જર્સીમાં છે. મોટાભાગની ભારતીય કંપનીઓ અમેરિકામાં સૌથી મોટું બજાર ધરાવે છે. 150 ભારતીય ટેકનોલોજી કંપનીઓ અમેરિકામાં છે, જેમાંથી 50 ન્યુ જર્સીમાં આવેલી છે. ટોચની 200 લાઈફ સાયન્સિસ કંપનીઓમાંથી 64 અમેરિકામાં હાજરી ધરાવે છે અને તેમાં પણ ન્યુ જર્સીમાં 39 કંપનીઓ છે. અમે આ સંખ્યા વધે તેમ ઈચ્છીએ છીએ. અમે યુવા સ્ટાર્ટઅપ્સ અને ફાયનાન્સિયલ ટેકનોલોજી ક્ષેત્રે સક્રિય સહયોગ ઉપર ધ્યાન આપી રહ્યા છીએ.”
 
ન્યુ જર્સીનું પ્રતિનિધિ મંડળ અમેરિકામાં કામગીરી વિસ્તારવા માંગતી ભારતીય કંપનીઓ માટે તકો અંગે વાતચીત કરવા માટે અમદાવાદ આવ્યું હતું. મજબૂત આર્થિક વિકાસની સાથે સાથે વિવિધતા એ ન્યુ જર્સીને બિઝનેસના સ્થળ તરીકે પસંદ કરવાનું અન્ય કારણ છે. આ રાજ્ય વિદેશમાં જન્મેલા નિવાસીઓ ધરાવતુ બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે અને ન્યુ જર્સી દેશમાં સૌથી વધુ વૈવિધ્ય ધરાવે છે.
 
અમદાવાદની મુલાકાત દરમ્યાન આ પ્રતિનિધિ મંડળ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ન્યુ જર્સી સાથે સંબંધ ધરાવતા વિવિધ બિઝનેસના પ્રતિનિધિઓને મળ્યું હતું. તેમણે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી.