1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (11:57 IST)

કચ્છ જિલ્લાની 234 જેટલી પ્રાથમિક શાળાઓને તાળાં લાગવાની શક્યતાઓ

ગુજરાત સરકારે રાજ્યમાં 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 5350 સરકારી પ્રાથમિક શાળાઓને તાળાં લગાડી નજીકની શાળામાં મર્જ કરવાનું નક્કી કર્યું છે. જો કચ્છ જિલ્લાના લોક પ્રતિનિધિઓ ખાસ કિસ્સામાં કચ્છને બાકાત રાખવાની રજુઆત નહીં કરે તો કચ્છ જિલ્લામાં 234 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓને પણ તાળાં લાગી જશે, જેથી દુરદરાજના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નીચે જશે અને અભણ લોકોની સંખ્યામાં વધારો થતો રહેશે. રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવા પ્રયાસો થયા બાદ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધ્યું હતું, જેથી સરકારે સરકારી નોકરીઓમાં શિક્ષણની લાયકાતમાં વધારો અને ઉમેરો કરવાના અખતરા કર્યા હતા, જેમાં શિક્ષણમાં ટેટ, ટાટ જેવી પરીક્ષાઓ પણ દાખલ કરી છે. વળી ટેટ અને ટાટ જેવી લાયકાતને પણ સમય મર્યાદા બાંધી લીધી છે. જોકે, શિક્ષિત બેરોજગારોએ વિશેષ લાયકાતો પણ મેળવી લીધી છે, જેથી શિક્ષણ ક્ષેત્રે પણ બેરોજગારીનું પણ વધ્યું છે. બીજી બાજું સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ પ્રવર્તી રહી છે, જેથી હવે સરકારે 30 વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને તાળાં મારી શિક્ષકોની ભરતીથી બચવા હવાતિયા મારવાનું શરૂ કરી દીધું છે, જેમાં કચ્છ જેવા વિશાળા જિલ્લાનો પણ ભોગ લેવાઈ જાય એવી શક્યતા છે. જો, લોક પ્રતિનિધિઓ વેળાસર નહીં જાગે તો કચ્છની 1706 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 234 સરકારી પ્રાથમિક શાળાને તાળા લાગી જશે અને નજીકની શાળામાં મર્જ કરી દેવાશે. એ સ્થિતિમાં વાહન વ્યવહારના અભાવે ગરીબ પરિવારના લોકો બાળકોને શાળાએ મોકલવાનું જ બંધ કરી દેશે, જેથી શિક્ષણનું સ્તર ઊંચે આવવાને બદલે નીચું જશે અને કચ્છમાં અભણ લોકો વધી જશે. અભણ લોકો વધશે એટલે અભણ બેરોજગારોનું પ્રમાણ વધશે, જેથી સરકાર ફરી શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના નાટક કરશે. જે નાટકમાં કેટલાય યુવાનોના જીવન અંધકારમાં ધકેલાઈ જશે.