રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (11:54 IST)

ખેડૂતો માટે ખુશના સમાચાર,સરકાર રૂ.૭૦૦ કરોડની સહાય કરાશે, ૪ લાખથી વધુ ખેડૂતોને થશે લાભ

રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે ત્યારે રાજ્યમાં થયેલ ભારે તથા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયુ છે તે સંદર્ભે અંદાજે રૂ.૭૦૦ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. આ ખાસ સહાય પેકેજનો લાભ ૪ લાખથી વધુ ખેડૂતોને મળશે.  
 
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન સંદર્ભે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારના કેલીમીટી રીલીફ ફંડના ધારાધોરણ મુજબ જે પાકમાં ૩૩ % થી વધારે નુકશાન થયુ હોય ત્યાં પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૧૩૫૦૦ અને બિન-પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૬૮૦૦ ની સહાય ચુકવવામાં આવશે. 
 
રાજ્યમાં ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદ તથા કમોસમી વરસાદને પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઇ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદ તેમજ ઓક્ટોબર અંતિત અને નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં થયેલ ખેડૂતોના પાકને નુકશાન થયુ હતુ તે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત સરવેની કામગીરી શરૂ કરી હતી જે પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત કમોસમી વરસાદના સરવેમાં ખેડૂતોના પાકને જે નુકશાન થયુ છે પરંતુ નુકશાન નિર્ધારીત ધોરણ ૩૩ % કરતા ઓછુ છે તે ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કરાયો છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ૪ લાખથી વધુ ખેડૂતોને રૂ.૭૦૦ કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલ માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી ૧૮ મી નવેમ્બર થી પુન: ખરીદી શરૂ કરાશે.  
 
રાજ્યમાં સારા ચોમાસાને કારણે ખરીફ ઋતુમાં ૮૬.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, મગફળી, ડાંગર, કઠોળ પાકો દિવેલા તલ વિગેરે પાકોનું સારા પ્રમાણમાં વાવેતર થયુ છે કપાસનું ૯૦ લાખથી વધુ ગાંસડી મગફળીઓ અંદાજે ૨૫ લાખ મેટ્રીક ટન થી વધુ, ડાંગરનું ૨૦ લાખ મેટ્રીક ટનથી વધુ અને દિવેલાનું ૧૪ લાખ થી વધુ મેટ્રીક ટન ઉત્પાદન અંદાજવામાં આવ્યુ છે.