ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ડિસેમ્બર 2019 (11:00 IST)

બાપ રે...બાપ...!!! ગુજરાતમાં દર 7 કલાકે 1 દુષ્કર્મ, સીએમનો સ્વિકાર

સમગ્ર દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યાર તાજેતરમાં ગુજરાતના નાના-મોટા શહેરોમાં દુષ્કર્મના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. રાજકોટ, ભાવનગર, વડોદરા, સહિત શહેરોમાં દુષ્કર્મની ફરિયાદો નોંધાઇ છે. ત્યારે ગુજરાત સરકારે સ્વીકાર્યુ છે કે, છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં દર 7 કલાકે એક દુષ્કર્મ થાય છે.
 
આ અંગે મળતી માહિતી મુજબ, તાજેતરમાં ગુજરાત વિધાનસભાના પૂર્ણ થયેલા શિયાળુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોરે માંગેલી માહિતીના ઉત્તરમાં આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા પ્રમાણે ગુજરાતમાં 1 જુલાઈ 2014થી 30 જૂન 2019 સુધીમાં કુલ 6,116 બળાત્કારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં સૌથી વધુ 860 દુષ્કર્મની ફરિયાદ અમદાવાદ શહેરમાં નોંધાઇ છે. ત્યારબાદ સુરતમાં 759 દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત બનાસકાંઠામાં 420 અને રાજકોટમાં 261 બળાત્કારની ફરિયાદો દાખલ થઈ છે.
 
આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, યુવાન છોકરા-છોકરીઓ પ્રેમલગ્ન માટે ઘરેથી નીકળી જાય, ત્યારે બળાત્કારની કલમ નોંધાતી હોવાથી આ આંકડો વધારે આવ્યો છે. જો કે રાજ્ય સરકાર બળાત્કારના કિસ્સામાં ગુનેગારોને સખ્ત સજા થાય તે માટે પ્રતિબદ્ધ છે. જણાવી દઈએ કે, તાજેતરમાં વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મના કેસો સામે આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. જેને પગલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હૈદરાબાદમાં દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં આરોપીઓનું એન્કાઉન્ટર થતા લોકોએ પણ પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી. દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે સખ્ત કાયદાની માંગ થઈ રહી છે, ત્યારે ગુજરાત સરકારે જાહેર કરેલા આ આંકડા ખરેખર ચોંકવનારા છે.