1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (11:31 IST)

વિશ્વમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત ત્રીજા ક્રમે, ગુજરાત ૪૩ ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશમાં સ્ટાર્ટ અપ હબ બન્યું

રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ને વેગ આપતાં દેશના ૪૩ ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ર૦૧૪થી ર૦૧૯ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક ૧ર થી ૧પ ટકાના ધોરણે સ્ટાર્ટ અપમાં વૃદ્ધિ થઇ છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન ૧પ૦ સ્ટાર્ટ અપમાંથી ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટ અપ એકલા ગુજરાતમાં જ કાર્યરત છે. વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે ૨૦૧૮-૧૯ના વર્ષમાં સૌથી મોટું ત્રીજું રાષ્ટ્ર બન્યું છે તેમાં ગુજરાતે ૪૩ ટકા સ્ટાર્ટઅપ સાથે મહત્વપૂર્ણ પ્રદાન કર્યુ છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રોત્સાહક અભિગમની ફલશ્રુતિએ રાજ્યમાં યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્સિયલ આસીસ્ટન્સ, ઓનલાઇન એપ્લીકેશન, મોનિટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઇ છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટ અપ પોલિસી પણ અમલમાં છે.  દેશમાં ર૦૧૪થી ર૦૧૯ વચ્ચે નવ હજારથી વધુ સ્ટાર્ટ અપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત ૧પ૦૦ કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને રરર ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું રાજ્ય છે. ગુજરાતને યુવા સ્ટાર્ટઅપના નવોન્મેષી વિચારો પ્રયોગોથી દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ લીડ લેનારૂં રાજ્ય બનાવવા સંકલ્પબદ્ધ છે. આ હેતુસર તેમણે સમગ્ર સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને અનેક પ્રોત્સાહનો આપ્યા છે. 
 
તદ્અનુસાર, ઇનોવેટીવ પ્રક્રિયા માટે રો-મટિરિયલ-સંશાધનો વગેરે માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. એટલું જ નહિ, ઇન્કયુબેટર્સને પ૦ ટકા સુધીની મૂડીસહાય, વાર્ષિક પાંચ લાખ સુધીની માર્ગદર્શન સહાય તેમજ પાવર ટેરિફ અને ઇલેકટ્રીસિટી ડયૂટીમાં રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારના આ પ્રેરક અભિગમને પરિણામે સ્ટાર્અપ કલ્ચરને વેગ મળ્યો છે અને ઇન્કયુબેટર્સની સક્રિયતા, સ્થાનિક યુનિવર્સિટીઓ, ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ માટે તેમના વિચારોને સંશોધનોને વાસ્તવિક સ્વરૂપ આપવાની તક પણ વિકસી છે. 
 
ઇઝરાયલના સહયોગ સાથે રાજ્યમાં આઇક્રિયેટની સ્થાપના દ્વારા યુવાઓને વૈશ્વિક વૈચારિક આદાન-પ્રદાન ટેકનોલોજી શેરિંગની તક પણ ઉપલબ્ધ બની છે તેમજ આઇ-ક્રિયેટ દ્વારા પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ માટે સહાય ઉપલબ્ધ છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતની આ સંપૂર્ણ ઇકો સિસ્ટમની મહત્તા અને પોટેન્શીયલ જોતાં ભારત સહિતના બિમસ્ટેક  દેશો બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળનું આગામી સ્ટાર્ટઅપ કન્વેન્શન પણ ગુજરાતમાં યોજવાનું આયોજન થઇ રહ્યું છે.
 
રાજ્યમાં ર૦૧૬થી અત્યાર સુધીમાં રૂ. ૧૪૦ કરોડની સહાયના સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. ૪ હજાર કરતાં વધુ લોકોને જુદા જુદા સ્ટાર્અપ ક્ષેત્રે રોજગાર અવસર મળ્યા છે. આમ, નાસ્કોમના અહેવાલ અનુસાર ગુજરાત ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટઅપ સાથે દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.